તારીખ ૫ મી, ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ રાજભવન-ગાંધીનગર ખાતે અંધજન મંડળ-રાજ્યશાખા-અમદાવાદ દ્વારા મહામહિમ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખાનાં પ્રમુખશશીભાઈ આર.વાધરને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓનાં પુનઃ સ્થાપન માટે સર્વોચ્ચ સેવા આપવા બદલ રાજ્યનો શ્રેષ્ઠ એવો સ્વ.ભીખાભાઈ ચુનીલાલ શાહ- એવોર્ડ ૨૦૧૮ રાજ્યપાલના હસ્તે કરતા તેઓને વર્ષ ૨૦૧૪ની સંસ્થા મુલાકાત સમયે નિહાળેલી પ્રવૃત્તિને ટાંકી સમાજસેવાના ‘તેજસ્વી તારલા’ કહી બીદાવ્યા હતા. જે બદલ સંસ્થા પરિવારે ગૌરવની લાગણી વ્યક્ત કરતા અભિનંદન પાઠવ્યા હતા.
પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના સર્વાંગી વિકાસક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરનાર વ્યક્તિઓને પ્રતિવર્ષ એનાયત કરવામાં આવે છે. ત્યારે સંસ્થા પરિવાર વતી જનરલ સેક્રેટરીશ્રી લાભુભાઈ સોનાણીએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું કે-’ શશીભાઈ વર્ષ ૧૯૮૪ થી પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે તેઓ ઘણા સમયથી બંને સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને હાલ બંને સંસ્થાઓનાં પ્રમખ તરીકે સેવા આપી રહ્યા છે. શશીભાઈનો સમાવેશ દેશના શ્રેષ્ઠ ઉદ્યોગપતિમાં થાય છે. તેમ છતા તેઓ વિકલાંગોનાં સર્વાંગી વિકાસનાં કાર્ય માટે હમેશા અગ્રેસર રહ્યા છે. તેઓ વિકલાંગોને ન્યાય મળે તે માટે થયેલા આંદોલનોમાં પણ ભાગ લીધો છે. પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ માટે ફંડ એકત્રીકરણ કરવા, તેઓને માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે બિલ્ડીંગનાં નિર્માણ માટે હમેશા સક્રિય રહ્યા છે. તેઓનાં માર્ગદશન હેઠળ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાએ રાજ્યની ૧૧ હજાર માધ્યમિક શાળાઓ માંથી રાજ્યની શ્રેષ્ઠ શાળાનું સંન્માન પણ હાસલ થયેલ છે. આમ, શશીભાઈને રાજ્યનો શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે તે ભાવનગર માટે પણ ખુબ જ ગૌરવપૂર્ણ બાબત છે.