રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પૂરતી સ્કોલરશીપ મળશે

1374

ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવા અને જરૂરિયામંદ વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવાના ઉમદા આશય સાથે આજે ગુજરાત રાજયમાં  સ્કોલરશીપ પ્રોગ્રામ વિદ્યાધન વિધિવત્‌ રીતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્કોલરશીપ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં ધોરણ-૧૧થી લઇ ગ્રેજયુએશન અને ઉચ્ચ શિક્ષણ સુધીના અભ્યાસને આવરી લેવાશે અને વિદ્યાર્થીઓની આર્થિક જરૂરિયાત, તેની પાત્રતા, અભ્યાસક્રમ અને મુદત સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં લઇ તેઓને વાર્ષિક રૂ.છ હજારથી લઇ રૂ.૬૦ હજાર સુધીની ફીની મદદ આપવામાં આવશે. ગુજરાતના શિક્ષણ જગતના ઇતિહાસમાં સ્કોલરશીપ પ્રોગ્રામ વિદ્યાધન એક ઐતિહાસિક અને અનોખી પહેલ હશે એમ અત્રે સરોજીની દામોદરન ફાઉન્ડેશન (એસડીએફ)ના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી કુમારી શિબુલાલ અને એસડીએફના ટ્રસ્ટી તેમ જ ઇન્ફોસીસના સહસ્થાપક એસ.ડી.શિબુલાલે જણાવ્યું હતું. ગુજરાતમાં આ ઐતિહાસિક સ્કોલરશીપ પ્રોગ્રામ હેઠળ આગામી પાંચ વર્ષમાં એક લાખ સ્કોલરશીપ પૂરી પાડવાનો પ્રયાસ હાથ ધરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિદ્યાર્થીઓ ઘણા હોશિયાર અને ટેલેન્ટેડ હોય છે પરંતુ ઘણીવાર સમય અને સંજોગો તેમ જ આર્થિક તંગીના કારણોસર તેઓ ઉચ્ચ શિક્ષણને પામી શકતા નથી અને તેમની કારકિર્દી બની શકતી નથી ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવાની અને તેમની કારકિર્દી બનાવવાની ઉત્તમ તક અને પ્લેટફોર્મ પૂરું પાડવાના ભાગરૂપે સંસ્થા દ્વારા સ્કોલરશીપ પ્રોગ્રામ વિદ્યાધન રજૂ કરવામાં આવ્યો છે.

વિદ્યાધન ગુજરાતમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે. શૈક્ષણિક સ્કોલરશીપ ઉપરાંત, વિદ્યાધન તમામ વિદ્યાર્થીઓને સોફટ સ્કીલ્સમાં તાલીમ, રોજગાર ક્ષમતા અને કારકિર્દી માર્ગદર્શન જેવી સેવાઓ પણ આપશે. એસડીએફના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી કુમારી શિબુલાલ અને એસડીએફના ટ્રસ્ટી તેમ જ ઇન્ફોસીસના સહસ્થાપક એસ.ડી.શિબુલાલે વધુમાં ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓને ધોરણ-૧૧થી સ્કોલરશીપની રકમમાં યોગ્ય વધારા સાથે તેમની અંડરગ્રેજયુએટ ડિગ્રી(પાંચથી સાત વર્ષ) પૂર્ણ થવા સુધી સ્કોલરશીપ પૂરી પાડવામાં આવશે. વિદ્યાર્થીઓએ પણ ઉત્તમ શૈક્ષણિક કામગીરી અને પ્રોફેશનલ કોર્સ સહિતના આગળના અભ્યાસમાં મેરિટ કવોટામાં પ્રવેશ મેળવવાનો રહેશે. આ પ્રસંગે યુવા અનસ્ટોપેબલના સ્થાપક અમિતાભ શાહે જણાવ્યું હતું કે, એસડીએફ સાથે ભાગીદારી કરવાનું અમને ગર્વ છે કારણ કે, વિદ્યાધન સ્કોલરશીપ પ્રોગ્રામ એ ખૂબ ઉમદા આશય સાથે શરૂ કરાયો છે. વિદ્યાધન તાલીમ અને મેન્ટરીંગથી તેમના વ્યકિતત્વ વિકાસ અને કારકિર્દીના આયોજનમાં મદદરૂપ બનશે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાધન પ્રોગ્રામ હેઠળ દેશમાં ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓમાં ૧૪૨ ડોકટર, ૩૨૦ એન્જિનીયર અને ૧૧૮ વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કોર્સ(નર્સિંગ, ફાર્મા, કૃષિ સહિતના)ના ક્ષેત્રોમાં ઉત્તમ કારકિર્દી બનાવી રહ્યા છે. વિદ્યાર્થીને સ્કોલરશીપ માટે ઓનલાઇન અરજી મારફતે પસંદગી કરવામાં આવે છે. જેમાં અલગ તારવાયેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અને ઇન્ટરવ્યું લેવાય છે, જેના આધારે સ્ક્રીનીંગ થાય છે અને વાસ્તવિક સ્થિતિના વેરીફિકેશન માટે હાઉઝ વીઝીટ પણ કરાતી હોય છે ત્યારબાદ આખરે વિદ્યાર્થીની પસંદગી કરી તેના શિક્ષણ, અભ્યાસક્રમ અને આર્થિક જરૂરિયાત સહિતના પાસાઓને ધ્યાનમાં લઇને પૂરતી સ્કોલરશીપ પૂરી પાડવામાં આવતી હોય છે. સરોજીની દામોદરન ફાઉન્ડેશન(એસડીએફ)ના આ અનોખા સ્કોલરશીપ પ્રોગ્રામ વિદ્યાધનના લાભ હાલ દેશના દક્ષિણ અને પશ્ચિમ ભારતના આઠ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જરૂરિયાતમંદ અને પાત્રતા ધરાવતાં વિદ્યાર્થીઓ હાલ મેળવી રહ્યા છે. ગુજરાતમાં વિદ્યાધન સ્કોલરશીપ પ્રોગ્રામ લોન્ચ કરી એસડીએફ ટ્રસ્ટે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ તક ઉભી કરી છે.

Previous articleરાજ્યની મહિલાઓ હવે સુરક્ષિત, ૧૮૧ અભયમ્‌ એપમાં પેનિક બટન દબાવતા જ કંટ્રોલ રૂમને થશે જાણ
Next articleમગફળી કાંડમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો  ઝાલાવાડિયાની ઓડિયો કલીપથી ખળભળાટ મચ્યો