અમદાવાદ મેરેથોનના કન્સેપ્ટ પર યોજાનારી સૌ પ્રથમ રૂમેથોનને સહયોગ આપી આર્થરાઈટીસનો ભોગ બનેલી વ્યક્તિઓને પ્રોત્સાહન આપવા તથા જાહેર જનતામાં આ રોગ અંગે જાગૃતિ પેદા કરવાનો પ્રયાસ થશે. રૂમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાત અને અંતરધ્વનિ નામના એન્કીલોઝીંગ સ્પોન્ડિલાઈટિસ સપોર્ટ ગ્રુપ દ્વારા આ સમારંભ તા.૧૫ ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્ન્ટ ખાતે હાથ ધરવાનું આયોજન કરાયું છે.
આ સમારંભમાં ટ્રેક ઉપર ૫૦૦ સ્પર્ધકો અને દર્દીઓ સામેલ થશે તેવી અપેક્ષા છે. સમારંભનો ઉદ્દેશ આરોગ્યની સ્થિતિ અંગે તાગ મેળવીને પૂરતી કસરત અને ઈષ્ટ આહારનો સમાવેશ થાય તે રીતે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવાનો છે.આ મેરેથોન પછી રૂમેટોલોજીસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ સાથે માહિતીના આદાન- પ્રદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં આર્થરાઈટીસની સંભાળ વિશે માહિતી અપાશે. આ ચર્ચામાં રોગની પ્રકૃતિ, શરીર ઉપર થનારી અસર, નિદાન અને સંભાળ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવશે.
જાણીતા રૂમેટોલોજીસ્ટ ડો. વિષ્ણુ શર્મા જણાવે છે કે “આપણી પાસે એલોપથીમાં આર્થરાઈટીસથી થયેલા નુકશાનની અસરકારક સારવાર માટે સલામત અને અસરકારક પધ્ધતિઓ છે. આ રોગો યોગ્ય સારવારથી અટકાવી શકાય છે, પરંતુ ઘણીવાર આપણે વારંવાર સાંધામાં થતા દુઃખાવા અથવા તો અન્ય ચિહ્નો જેવા આરોગ્યના વિપરીત નિર્દેશોને અવગણીએ છીએ. આ સ્થિતિમાં સુધારો કરવાની જરૂર છે.”
અંતરધ્વનિના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “રોગને અટકાવવો તે સારવાર કરતાં બહેતર છે અને અમારી ઈચ્છા એવી છે કે લોકો આ બાબત અંગે જાણકારી મેળવે. જો આર્થરાઈટીસ હોવાની જાણ થાય તો ચોક્કસપણે યોગ્ય સારવાર થઈ શકે છે. શરીરે મોકલેલા ચિહ્નોને કાળજીપૂર્વક પારખીને વ્યક્તિએ સતત સતર્ક રહેવાની જરૂર છે.”