દિકરી જન્મે છે, ત્યારે નાકનું ટેરવું ચઢાવનારા પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા આજે પણ ખુબ મોટી છે. તેવા સમયમાં સરકારે દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાવોના સુત્ર સાથે દિકરીના જન્મને પ્રોત્સાહિત કરવા યોજના અમલમાં મુકવી પડી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ ગામના મહિલા સરપંચે અનોખી પહેલ કરી છે.જેમાં ગામમાં કોઇને પણ ઘરે દિકરીનો જન્મ થાય તો તેની માતાને રૂા.૧૧૦૦ રૂપિયા પ્રોત્સાહક પુરસ્કાર તરીકે આપવાનું નક્કી કર્યુ છે. મહિલા સરપંચની આ જાહેરાતને ગ્રામજનોએ વધાવી લીધી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામથી પાંચ કિલોમીટર દૂર આવેલા નંદપુરી જેની બીજી ઓળખ છે, તેવા નાંદોલ ગામના મહિલા સરપંચ મંજૂલાબેન વિનોદચંદ્ર પટેલે દિકરી જન્મ નિમિતે અનોખી પહેલ કરી છે. નાંદોલ ગામ આઠ હજારની વસ્તિ ધરાવતું ગામ છે. જયાં કોઇપણ સમાજ કે જ્ઞાતિના ભેદભાવ વિના કોઇના પણ ઘરે દિકરીનો જન્મ થાય તો માતાને રૂા.૧૧૦૦ની રકમ મંજૂલાબેન પટેલ દ્વારા આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. મંજૂલાબેન પટેલની આ અનોખી પહેલને લોકો ખૂબ જ પ્રસંસા કરી આવકારી રહ્યા છે.નાંદોલના મહિલા સરપંચ મંજૂલાબેન પટેલને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યુ હતુ કે દિકરીના જન્મને વધાવવા માટે મારા અને મારા પરિવારને આ વિચાર આવ્યો હતો. જેમાં મારા પતિ વિનોદચંદ્ર પટેલે સહર્ષ વાતને વધાવી જાહેરાત કરી હતી. નાંદોલ ગામમાં દિકરીનો જન્મ થયો હોય તેમણે દિકરી જન્મ અંગે ગ્રામપંચાયતમાં જાણ કરવાની રહેશે. ત્યાર બાદ તેની માતાને રકમ આપવામાં આવશે. વધુમાં તેમણે દિકરી જન્મ બાદ અપાનાર રકમ તેમના અંગત સ્વખર્ચમાંથી અપાનાર હોવાનું અને આ યોજના તેમના સરપંચ સુધીના કાર્યકાળ સુધી ચાલુ રાખનાર હોવાનું પણ જણાવ્યુ હતુ.