બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના જીવન સાથે ૧૦ હજાર શિક્ષકોએ ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું

1877

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.૧૦, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તરવહીના મૂલ્યાંકનમાં વેઠ ઉતારનાર અને વિદ્યાર્થીઓની કારકિર્દીને અસર થાય તે પ્રમાણે પેપર ચકાસણીની કામગીરી કરનાર ૧૦ હજાર જેટલા શિક્ષકોને માર્ક દીઠ રૂ. ૫૦ થી ૧૦૦ નો દંડ ફટકારાતાં શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે.

બોર્ડના ટોચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ધો.૧૦માં ત્રણ હજાર જેટલા, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨,૫૦૦ જેટલા અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૭,૫૭૮ જેટલા શિક્ષકોને દંડ ફટકારવાની સાથોસાથ ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તેની વિશેષ કાળજી રાખવા અને વિદ્યાર્થીઓની કારકિર્દીને અસર ન પહોંચે તે માટે પણ જણાવાયું છે.

બોર્ડ દ્વારા પરીક્ષાના પરિણામો જાહેર કરાયા બાદ આ વર્ષે ઉત્તરવહી ચકાસણીની અને પુનઃ મૂલ્યાંકનની ઢગલાબંધ અરજીઓ બોર્ડને મળી હતી.

આમાંથી મોટાભાગના કિસ્સાઓમાં પરિણામમાં સુધારો થવાના કારણે બોર્ડની કવાયત પરિણામ જાહેર થયા બાદ પણ વધી ગઈ હતી. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ માટે પર્સન્ટેજની સાથોસાથ એક-એક માર્કના પોઈન્ટની પણ ગણતરી મેરિટ લિસ્ટમાં થતી હોવાથી નિરીક્ષકની મૂલ્યાંકનમાં થતી ખામીનો ભોગ વિદ્યાર્થીઓ બનતા હોય છે. બોર્ડે આ વખતે આ સંદર્ભે કડક હાથે કામગીરી લેવાનો નિર્ણય કરીને માર્ક દીઠ રૂ.૫૦ થી રૂ.૧૦૦નો દંડ મૂલ્યાંકનની કામગીરી સાથે સંકળાયેલા શિક્ષકોને કરેલ છે. આ ઉપરાંત ઉત્તરવહીઓની ચકાસણી માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના ઓર્ડર થયા હોવા છતાં ફરજ પર હાજર ન થનાર અનેક શિક્ષકોને પણ નોટિસ પાઠવવામાં આવી છે અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

Previous articleવાણી પાસે બે મોટા બજેટ ધરાવતી ફિલ્મ હાથમાં છે
Next articleબ્રાઉન સ્યુગરના બંધાણીને કઈ રીતે ઓળખી શકશો ?