વિજ્ઞાનનગરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભાવનગરની જનતામાં કિચન ગાર્ડ- હર્બલ ગાર્ડન અંગે જાગૃતિ લાવવા માટે સેમિનારનું આયોજન કરેલ. ઘર આંગણે જીવન જરૂરી વનસ્પતિઓનો ઉછેર કરી કેમિકલ મુક્ત ઓર્ગેનિક શાકભાજી-ફળો અને ઔષધિઓ ઉગાડી સારૂ સ્વાસ્થ્ય પ્રદાન થાય અને નવી પેઢી તેનું મુલ્ય સમજી જાણકારી મેળવી તે અંગે વિવિધ પ્રયતનો કરવામાં આવ્યાું. જેમાં આશરે ૭પ જેટલા સભ્યો સહભાગી બન્યા હતાં.
જુની પેઢીઓનું વનસ્પતિઓ અંગેનું પરંપરાગત જ્ઞાન, સમજ અને ઉપયોગીતા નવી પેઢીને સમજાય, તેની જાળવણી થાય અને તેનો ફેલાવો કરે તે હેતુથી અકવાડા મુકામે હમીરભાઈ વાડીએ પ્રકૃતિ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધુનાશીની, દમવેલ, ડોડી, પુત્રજીવી, સફેદ ભોયરીંગણી, ખરખોડી, કરંજ, પોઈ, લુણી, ગોજીવવા, થોર કમેડા, બથવો, મેઘાસીંગી, કછનાર, કડવો ખરખોડો, સર્પગંધા, અરડૂસી, રાધાવાડ, કૃષ્ણવડ, મરવો, લસણવેલ, રક્ત ચંદન, રામફળ, ખાટી આંબલી જેવી ૧૦૦થી વધુ વનસ્પતિઓનું લાઈવ નિદર્શન કરી તેની ઓળખ, ઉપયોગીતા, સ્વાસ્થ જાળવણીમાં મહત્વ, જૈવ વિવિધતાનો પરિચય કિશોરભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યો. આ પ્રવૃત્તિ દરબારમાં આવેલ આશરે ૧૦૦ જેટલા સભ્યોનું સ્વાગત સ્વાસ્થપ્રદ સરગવાની ચા આપીને કરવામાં આવ્યું. તુષારભાઈ દ્વારા દુર્લભ વનસ્પતિ ડોડીના રોપા આપવામાં આવ્યા અને મળેલ ફંડ શહિદ ફંડમાં જમા કરાવવામાં આવ્યું. રસ ધરાવતા પર્યાવરણ પ્રેમીઓને આ કાર્યના ફેલાવા માટે વિજ્ઞાનનગરી આવકારે છે. કિચન ગાર્ડનના સભ્ય બનેલા દરેકને ટોકન દરે શાકભાજીના દેશી બિયારણ, દેશી ખાતર, કોકોપીટ, સરગવાના રોપા તથા હર્બલ બીજ કીટ, સંદર્ભ સાહિત્ય આપવામાં આવી હતી.