પુન્દ્રાસણ ગામની પ્રાથમિક શાળા જર્જરીત થઈ જતાં ગામમાં જ જમીન નેમ કરવા માટે ગ્રામજનોને સંઘર્ષનો સામનો કરવો પડે છે. છેલ્લા કેટલાંક દિવસથી તેઓ રસ્તા રોકોથી લઈને શાળાની જમીન માટે આંદોલન કરી રહ્યા છે. આજે પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન ગીતાબેન પટેલે તેમની મુલાકાત લીધી હતી અને વિગતો જાણી હતી. તેમના કહેવા પ્રમાણે પ્રાથમિક શાળા ખરેખર જર્જરીત છે અને ગામ પાસે જમીન પણ છે પરંતુ સરપંચની અનેકવાર રજુઆતો છતાં તે જમીન શાળા માટે ફાળવાતી નથી. પંચાયત તરફથી જે કંઈ કરવાની જરૂર હશે તે કરવા માટે પણ તેમણે ખાત્રી આપી હતી.
પુન્દ્રાસણની જમીન બાબતે સરપંચના કહેવા પ્રમાણે અધિકારીઓએ તેમને ખુલ્લી ભાષામાં કહ્યું હતું કે, આ જમીન તો અન્યને આપવાની હોવાથી તમારી શાળા માટે કદી આપવામાં નહીં આવે. સુત્રોના જણાવ્યા અનુસાર ખૂબ જ કીંમતી જમીન હોવાથી ખાનગી શૈક્ષણિક સંસ્થાનો તેના પર ડોળો હોવાને કારણે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે. પુન્દ્રાસણ ગામની સરકારી પ્રાથમિક શાળાઓ દાયકાઓને માર ખાઇને જર્જરીત તથા જોખમી બની છે. અપુરતા ઓરડાઓનાં કારણે બે શિફ્ટમાં બાળકોને ભણાવવા પડે છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ૧૦ વર્ષ પુર્વે ગૌચરની એક જમીનને શાળાને ફાળવવા ઠરાવ કરીને સરકાર પાસે જમીન માંગી હતી. પરંતુ સરકાર દ્વારા શાળા માટે જમીન ન ફાળવવામાં આવતા ઉગ્ર માંગ સાથે એક સપ્તાહથી વધુ સમયથી તાળાબંધી કરાઈ છે. ત્યારે બુધવારે ઓબીસી એકતા મંચનાં પ્રમુખ અલ્પેશ ઠાકોરે પુન્દ્રાસણ પહોચી શાળાની મુલાકાત લીધી હતી.
અલ્પેશે ગ્રામજનોની માંગને ટેકો આપીને સરકારમાં આ મુદ્દે ભારપુર્વક રજુઆત કરવા બાંહેધરી આપી હતી.