ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ, મહાનગર પાલિકા તથા પોલીસ દ્વારા દબાણો તથા નડતરરૂપ પાર્ક થતા વાહનો સામે હાથ ધરવામાં આવેલા મેગા અભિયાનને લઇને દોડધામ મચી ગઇ છે. ત્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રીલાયન્સ ચોકડી વિસ્તારમાં કાર્યવાહી બાદ શહેરનાં મુખ્ય માર્ગો તથા જાહેર સ્થળો પર કાર્યવાહી શરૂ કરતા વાહન ચાલકોમાં ફફટાડ ફેલાઇ ગયો છે. જયારે પોલીસ દ્વારા ડ્રાઇવને વધુ સઘન બનાવવામાં આવી રહી છે.
જિલ્લા ટ્રાફિક પીઆઇ બી જે વ્યાસનાં જણાવ્યાનુંસાર ૩ દિવસથી ચલાવવામાં આવી રહેલી ટ્રાફિક શાખાની ડ્રાઇવમાં અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ વાહનો સામે ટોઇંગ તથા સ્થળ પર દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં ૩૦ હજારથી વધુ રકમનો દંડ વસુલવામાં આવ્યો છે. હવે ખાસ કરીને જાહેર સ્થળો તથા જાહેર માર્ગો પર થતા ર્પાકિંગ સામે કાર્યવાહી કરવામાં આવશે. સોમવારે સેકટર ૧૧નાં શોપીંગ વિસ્તારમાં કાર્યવાહી કરીને સંખ્યાબંધ વાહનો ટોઇંગ કરવામાં આવ્યા હતા.
જયારે ફોર વ્હીલર્સને જગ્યા પર જ લોક કરીને દંડ વસુલવામાં આવ્યો હતો. શહેરનાં તમામ જાહેર સ્થળો તથા જાહેર માર્ગો પરથી આ સમસ્યા દુર નહી થાય ત્યાં સુધી સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. સ્વર્ણિમ પાર્ક પર સાંજે ફરવા આવતા લોકો ઘ-૪ સર્કલનાં ફરતે જ વાહન પાર્ક કરી દેતા હોવાથી ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઇ રહી છે.