શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં

741

દુનિયાના અમુક દેશો અને પ્રદેશોમાં શનિવાર તા. ૧૧ મી ઓગસ્ટે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં કોઈપણ સ્થળેથી આ ગ્રહણ જોવા મળશે નહિ. વર્ષ ર૦૧૮ નું આખરી ગ્રહણ જોવામાં ભારતના લોકો વંચિત રહેવાના છે. જયારે ખગોળ વૈજ્ઞાનિકોએ ખંડગ્રાસ સૂર્યગ્રહણની ગતિવિધિ જાણવા ઉત્તર યુરોપ, પૂર્વ એશિયા અને ઉત્તર અમેરિકામાં પડાવ નાખી દીધો છે. રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ માટે ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ તૈયારી આરંભી દીધી છે. ભારતમાં ગ્રહણ સંબંધી વૈધાદિ નિયમો સંપુર્ણ અપ્રસ્તુત સાથે વિજ્ઞાને નકાર્યા છે. આ ખગોળીય ઘટના માટે વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સવંત ર૦૭૪ અષાઢ કૃષ્ણપક્ષ અમાસને શનિવાર તા. ૧૧ મી ઓગસ્ટ, ર૦૧૮ ના કર્ક રાશિ, આશ્લેષા નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ. જયારે વિશ્વના અમુક દેશા-પ્રદેશોમાં ગ્રહણ જોવા મળશે તેમાં ઉત્તર યુરોપ, પૂર્વ એશિયા, ઉત્તર અમેરિકા, એટલાંટિક મહાસાગર, આર્કટિક પ્રદેશ, ઉત્તર કેનેડા, ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, સ્કેડિનેવીયા, મોંગલિયા, કઝાકીસ્તાન અને ચીનનો મોટો પ્રદેશ આસપાસ વિસ્તારમાં ગ્રહણ અદ્દભુત-આહલાદક અવકાશી નજારો બનવાનો છે.

ભારતના સમયાનુસાર ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ૧૩ કલાક ને ૩ર મિનિટ, ગ્રહણ મધ્ય : ૧પ કલાક ને ૧૭ મિનિટ, ગ્રહણ મોક્ષ : ૧૭ કલાક ને ૧ મિનિટ, ગ્રહણ ગ્રાસમાન : ૦.૭૩૭ રહેશે. વિશ્વના દેશોમાં સાડા ત્રણ કલાકનો ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો બનશે. આ વર્ષનો આખરી અવકાશી નજારો વિશ્વના લોકો વિજ્ઞાન ઉપકરણની મદદથી જોઈ શકવાના છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું આંખ માટે નુકશાનકારક છે. વૈજ્ઞાનિકોમાં જબરી ઉત્કંઠા છે.  ખગોળ વૈજ્ઞાનિકોએ પસંદગીની જગ્યાએ પડાવ નાખી માનવ કલ્યાણકારી સંશોધનો કરશે. જયારે ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી ગેરમાન્યતા, કુરિવાજો, અપ્રસ્તુત માન્યતાઓ પ્રવર્તતે છે. અવકાશી ગ્રહણો માત્ર ને માત્ર પરિભ્રમણ, ભૂમિતિની રમત છે તેવું વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે. ગ્રહણને માનવજીવન સાથે સ્નાનસૂતક સંબંધ નથી. ભારતમાં ગ્રહણ દેખાય તો પાળવું, ન દેખાય તો નહિ પાળવાનું વિગેરે તૂત જોવા મળે છે. વૈધાદિ નિયમો જાથાએ બોગસ-અપ્રસ્તુત સાબિત કર્યા છે. જયોતિષીઓ પોતાનું ફળકથન જોઈ શકતા નથી તે કડવી વાસ્તવિકતા છે. જાથાએ દેશભરમાં અવકાશી ઘટનાની પળે પળની માહિતી માટે અભિયાન આદર્યું છે.

Previous articleશાળાની બાળાઓને ચોપડા વિતરણ
Next articleઆવતીકાલે જિલ્લાભરમાં સિંહ દિવસની ઉજવણી થશે