નિલગાયના શિકાર મામલે નિવૃત્ત પીઆઈની સંડોવણી

2303

તળાજા તાલુકાના ભુંગર ગામે વાડી વગડે નિલગાયના શિકાર સાથે ઝડપાયેલ રીઢા શિકારીઓની તપાસમાં આ પ્રવૃત્તિમાં નિવૃત્ત પોલીસ કર્મી પણ સામેલ હોવાની કેફીયાત આપતા સમગ્ર મુદ્દો ચર્ચાના એરણે ચડ્યો છે.

સમગ્ર બનાવ અંગે વિશ્વાસપાત્ર સુત્રોના જણાવ્યા અનુસાર તળાજા તાલુકાના ભુંગર અને મંગેળા ગામ વચ્ચે આવેલ રેવન્યુ વિસ્તારમાંથી ગઈકાલે તળાજા વન વિભાગે ચોક્કસ બાતમી આધારે આરક્ષીત વન્ય પ્રાણીઓ તથા નિલગાય (રોઝડા)નો ગેરકાયદે શિકાર કરતા એક સગીર વયના બાળ અપરાધી સહિત ૪ શખ્સો જેમાં મહમદ નાનુ કુરેશી, સતાર ભુરા કતીયાર, સુલેમાન ભુરા કતીયાર તથા ૧પ વર્ષનો સગીર ઘટનાસ્થળેથી દેશી જામગરી બંધુકથી ભડાકે દઈ હત્યા કરેલ નિલગાયના હલાલ કરેલા અંગો માંસ, ચામડુ તથા અન્ય હથિયારો સાથે રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા. આ શખ્સો વિરૂધ્ધ વન વિભાગે ફરિયાદ નોંધાવી હતી અને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં રજૂ કરતા પૂર્વે તમામ આરોપીઓએ સંપૂર્ણ ગુનાની કબુલાત સાથે એવો પણ ખુલાસો આપ્યો હતો કે શિકાર કરેલ વિસ્તાર તથા અન્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જમીન ધરાવતો અને પૂર્વ પોલીસ વિભાગમાં ફરજ બજાવતો એક પી.આઈ.ના ઈશારે શિકારની પ્રવૃત્તિઓ કરી રહ્યાં હોવાની કબુલાત આપી હતી. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, નિવૃત્ત પી.આઈ. અગાઉ પણ આ શિકારીઓ સાથે સંકળાયેલા હોય જે અંગે વન વિભાગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ઉપરાંત ગઈકાલે બનેલ ઘટના સંદર્ભે નિવૃત્ત પી.આઈ.એ વન કચેરી ખાતે પહોંચી દાદાગીરી કરી વન કર્મચારીઓને ધમકાવ્યા હતા સાથોસાથ ખુલ્લી ચેલેંજ પણ આપી હતી કે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી ! આથી વન અધિકારીઓ દ્વારા આ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleકુડા ગામે યુવાન કરેલ આપઘાતમાં હત્યા થઈ હોવાનો પરિવારનો આક્ષેપ
Next articleવલ્લભીપુરમાંથી વરલી-મટકાના આંકડા લેતા શખ્સને ઝડપી લીધો