હાર્દિકને બે વર્ષ સજાના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે

1547

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન વિસનગરમાં તોડફોડ અને હિંસાના ચકચારભર્યા કેસમાં પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને વિસનગર સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી બે વર્ષની સજાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટે સ્ટે જારી કર્યો છે. વિસનગર સેશન્સ કોર્ટના સજાના હુકમ સામે હાર્દિક પટેલ દ્વારા કરાયેલી અપીલ હાઇકોર્ટે આજે દાખલ કરી હતી અને તેના જામીન મંજૂર રાખ્યા હતા. સાથે સાથે હાઇકોર્ટે બે વર્ષની સજા પણ સ્થગિત કરી હતી. જો હાઇકોર્ટનો આ સ્ટે લોકસભાની ચૂંટણી યથાવત્‌ રહેશે તો, હાર્દિક પટેલની લોકસભાની ચૂંટણી લડવાનો માર્ગ મોકળો બની શકશે. ગુજરાત હાઇકોર્ટમાંથી મળેલી રાહત અંગે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમે નીચલી કોર્ટના હુકમને પણ માથે ચડાવ્યો હતો અને એ જ રીતે હાઇકોર્ટના હુકમનો પણ આદર કરીએ છીએ અને તેને માથે ચડાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનના પ્રારંભમાં વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ સહિતના કેસમાં વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે પટેલને રાયોટિંગ કેસમાં દોષિત જાહેર કરી ૨-૨ વર્ષની સજા ફટકારી હતી.  ત્યારબાદ ત્રણેય આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા હતા. આ હુકમ સામે હાર્દિક પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી, જેમાં આ રાહત મળી હતી. ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન વિસનગરમાં તા.૨૩ જુલાઇ, ૨૦૧૫ના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જે રેલી મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયે આવેદનપત્ર આપવા પહોંચી હતી. આ સમયે ટોળાએ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. જે બનાવ અંગે પાસ કન્વીનર હાર્દિક પટેલ અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિત રેલીના આયોજકો મળી ૧૭ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના ગુનામાં વિસનગર કોર્ટે ગયા મહિને તા.૨૫ જુલાઈએ હાર્દિક પટેલ સહિત ત્રણેય આરોપીઓને ૨-૨ વર્ષની કેદની સજા ફટાકારી હતી. આ સજાના વિરૂધ્ધમાં હાર્દિક હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેની અરજીને ગ્રાહ્ય રાખીને વિસનગર કોર્ટે ફટકારેલી બે વર્ષની જેલની સજા પર સ્ટે આપ્યો હતો. આમ, હાર્દિકને આ કેસમાં રાહત મળતાં તેના સમર્થકોમાં અને પાટીદાર સમાજમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.

Previous articleમગફળી કૌભાંડ : કોંગ્રેસ પર જીતુ વાઘાણીના તીવ્ર પ્રહારો
Next articleમગફળી કાંડમાં કોંગ્રેસ અને નાફેડ વચ્ચે હોઇ શકે સાંઠગાંઠ : નીતિન પટેલ