રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીની સાથો સાથ શિક્ષણને મહત્વ અપાઈ રહ્યુ છે ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામે આવેલી કેન્દ્ર વર્તી શાળાના આચાર્ય સહિત શિક્ષકોએ શાળામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં લાવવાના હેતુથી તેઓના ઘરે ઢોલ નગારા સાથે હલ્લાબોલ કરી નવતર કાર્યક્રમ આપ્યો હતો જેમાં શિક્ષકોને સફળતા મળી હતી.
પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી કે.વ.શાળામાં સતત ગેર હાજર રહેતા બાળકોના વાલીઓનો સંપર્ક કરવા છતા શાળા ન આવતા આજે શાળાના આચાર્ય બી.એ.વાળા, પંચાયત સભ્ય નાથાભાઈ વાઘેલા, શાળાના શિક્ષકો કમરશીભાઈ, જયસુખભાઈ તથા મહેશભાઈ અને વિદ્યાર્થીઓ સાથે ગામના ઢોલી બળુભાઈને ઢોલ વગાડતા વગાડતા ગેરહાજર રહેતા ગામના તમામ બાર બાળકોના ઘરે જઈ તેમના વાલીને મળી વર્તમાન પરિસ્થિતીમાં શિક્ષણનું મહત્વ અને શિક્ષણ વિના કેવી મુશ્કેલી પડે તે સહિતની જાણકારી આપી હતી. અને તેઓના બાળકોને શાળાએ મોકલવા જણાવ્યું હતું. અને તમામ બાળકોને ફરિથી શાળામાં આવતા કર્યા હતા.
વાંચન, ગણન, લેખનમાં નબળા રહી ગયેલા બાળકો માટે મિશન વિદ્યા નામનું ખાસ અભિયાન શાળામાં શરૂ જેમાં શાળા સમય કરતા એક કલાક વધુ બાળકોને શિખવવામાં આવે છે તેમજ આ ઉંમર બાળકના કામ કરવાની નહી પણ ભણવાની છે તે બાબત પણ સમજાવી હતી. અને ફરીથી ઢોલ નગારા સાથે બાળકનું શાળામાં સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ અભિયાનને ખુબજ સારી સફળતા મળી હતી અને તમામ વાલીઓએ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા બાહેધરી આપી હતી ત્યારે રાજ્યમાં કદાચ આ ઢોલ નગારા સાથે ગેરહાજર રહેતા બાળકોને ફરીથી શાળાએ લાવવા માટે હલ્લાબોલનો કાર્યક્રમ પ્રથમ હશે ? અન્ય શાળાઓએ પણ શિક્ષણનું સ્તર ઉચ્ચુ લાવવા આવા પ્રયોગો કરવા જોઈએ.