જિલ્લા પંચાયતની સામાન્ય જિલ્લા પંચાયત હોલમાં આજ રોજ મળી હતી જેમાં જુદી જુદી સમિતીઓની રચના કરવામાં આવી હતી. પરંતુ અગાઉ પ્રમુખની નિમણૂંક વખતે થયેલા અસંતોષનો ઉકળતો ચરૂ જિલ્લા પંચાયતની સમિતીઓની નિમણૂંક બાદ જોવા મળ્યો હતો. જેમાં રામાજી ઠાકોર તરફના ચાર સભ્યોએ સમિતીમાંથી રાજીનામા ધરી દીધા હતા. જો કે કોંગ્રેસના સભ્યપદે ચાલુ રહેવાનું પણ જણાવતાં હાલ પુરતી મુશ્કેલી ટળી છે. કેટલાંક તલાટીઓની એક જ જગ્યાએ નિમણૂંક માટે પણ સભ્યોએ નારાજગી સાથે વાંધો ઉઠાવ્યો હતો અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા હતા. જિલ્લામાં ઓછા વરસાદને પગલે સહાય આપવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.
સામાન્ય સભામાં બીજી ટર્મ માટે વિવિધ સમિતિઓની નવેસરથી રચના કરવામાં આવી છે.જેમાં મોટાભાગની સમિતિઓમાં ફેરબદલ કરવામાં આવી હોવા છતાં ડભોડા-વડોદરા બેઠકના નારાજ સદસ્ય દિનેશજી ઠાકોરે તેમને સમિતિઓમાં યોગ્ય ન્યાય મળ્યો નહિ હોવાનું જણાવી બંને સમિતિઓમાં રહેવાનો ઇનકાર કરી આ સભાનો બહિષ્કાર કર્યો હતો. જયારે આ સભા પછી કોંગ્રેસના કુલ ૫ સભ્યોએ ડીડીઓને મળી આક્રોશ વ્યકત કરતા સમિતિઓમાંથી રાજીનામાં ધરી દીધા હતા. આ સંખ્યા ૮ જેટલી થવા જાય તેમ છે ત્યારે કોંગ્રેસમાં વ્યાપેલી તીવ્ર જૂથબંધી ફરી એકવાર સપાટી પર આવી ગઈ હતી. આ ઉપરાંત કલોલના ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર ધ્વારા તલાટી રમેશભાઈ પટેલ ઉપર દલાલીના ખુલ્લેઆમ આક્ષેપો કરી તેની બદલી માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.જયારે ડીડીઓએ આ બાબતે સભામાં ચુપ્કેડી સેવ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, મારા ઉપરના આક્ષેપો ખોટા છે અને વહીવટ કેવી રીતે ચલાવવો તે મને આવડે છે.
જેમાં કોઈ પ્રશ્નોત્તરી નહિ હોવા સાથે વિપક્ષ ભાજપ ધ્વારા તેમને એજન્ડા મળ્યો નહિ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય કાર્યવાહી નવી સમિતિઓની રચના કરવાની થઇ હતી.
જેમાં કારોબારી સમિતિઓમાં ૯ સભ્યો સાથે બાંધકામ, આરોગ્ય, શિક્ષણ, સામાજિક ન્યાય અધિકારીતા, કૃષિ સહકાર અને સિંચાઈ તેમજ બાળ-મહિલા વિકાસ જેવી સમિતિઓમાં ૩થી ૫ સભ્યોની નિમણુંકો કરવામાં આવી હતી. આ સમિતિઓની રચના માટે ગઈ મોડી રાત સહીત આજે બપોર સુધી ચાલેલી કવાયતમાં દરેક તાલુકા સાથે બે-ત્રણ જૂથને સંતોષ આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં આ યાદી પ્રમાણે એકાદ સમિતિને બાદ કરતા લગભગ તમામ નવી સમિતિઓમાં ચેરમેન બદલાઈને નવા નીમાશે તે નિશ્ચિત બન્યું છે.