હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું ખૂબ જ મહત્વ છે અને અહીં અનેક પ્રસિધ્ધ પૌરાણિક શિવાલયો આવેલા છે એવું જ ભાવનગરમાં ભંડારિયા ખાતે આવેલું જાગનાથ મહાદેવ પણ પ્રસિધ્ધ રમણીય શિવાલય છે. એમાં પણ સૌરાષ્ટ્ર એટલે સંતોની ભુમિ. સૌરાષ્ટ્રમાં ઘણા સંતો-મહંતોની ખ્યાતી ચોમેર ફેલાયેલી છે. એવા જ આપણા ભાવનગર નજીક જિલ્લાના રમણીય ધાર્મિક સ્થાનમાંનું એક અને જાગનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ શ્રી દુઃખીશ્યામબાપાના આશ્રમે વિવિધ ધાર્મિક પ્રસંગો સાથે ધામધૂમથી શ્રાવણ માસનું આયોજન કરાયું છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યમાં ખ્યાતિપ્રાપ્ત દુઃખીશ્યામબાપાના આશ્રમે આગામી તા.૧રમીને રવિવારથી શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે. આ નિમિત્તે તા.૧રમીને રવિવારથી તા.૯મીને રવિવાર સુધી પ્રતિદિન સવારના ૭-૦૦ થી બપોરના ૧ર-૪પ કલાક સુધી પૂજાયજ્ઞ થશે. જ્યારે મહાપ્રસાદ વિતરણ દરરોજ ૧ર-૧પ થી ર-૧પ સુધી થશે. દુઃખીશ્યામબાપાના આશિર્વાદથી દરરોજ શિવપૂજન, ગુરૂપૂજન, હોમાત્મક, લઘુરૂદ્ર સહિતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે બ્રહ્મચોર્યાસી અને બ્રહ્મભોજન થશે. આ મહોત્સવમાં ભડી, ભંડારિયા, તણસા, સાણોદર સહિતના સાત ગામના ભાવિકો જોડાઈને આ ધાર્મિક પ્રસંગનો લાભ લેશે. યજમાન પદે પૂજામાં બેસવા માટે દુઃખીશ્યામબાપુ સેવા ટ્રસ્ટ, ભંડારિયાનો સંપર્ક કરવા જણાવાયું છે.