રવિવારે ઉપરાષ્ટ્રપતિનું શહેરમાં આગમન થશે

2285

મુખ્યમંત્રી, ગૃહરાજય મંત્રી અને મહેસુલ મંત્રી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહેશે

તા. ૧ર-૮ને રવિવારના રોજ ભાવનગર-ધોલેરા ૪ ટ્રેક રોડના ખાતમૂહુર્ત અર્થે ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રી મુખ્યમંત્રી સહિતનો કાફલો શહેરમાં આવી રહ્યો હોય જેને લઈને સરકારી તંત્રી તથા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

ભાવનગર શહેરના નારી ચોકડીથી ધોલેરા સુધીના શોર્ટ રૂટને ૪ ટ્રેક બનાવવા માટે સરકારે મંજુરી આપી હોય આ માર્ગના ખાત મુહૂર્ત માટે દિલ્હીથી ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ, રાજયના મુખ્યમંત્રી વિઝયભાઈ રૂપાણી, કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મહેસુલ મંત્રી સહિતનો મોટો કાફલો શહેરના આંગણે આવી રહ્યા હોય આ કાર્યક્રમ અનુસંઘાને ભાવનગર મહાપાલિકા જીલ્લા વહીવટી તંત્ર તથા ભાવનગર શહેર જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે.

ખાતમુહૂર્ત કાર્યક્રમના સ્થળ તરીકે નારી ચોકડી પાસેની જગ્યા પસંદ કરવામાં આવી હોય અત્રે વિશાળ સ્ટેજ-ડોન બનાવવામાં આવ્યો છે. આ સ્થળે મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવા તંત્રના અધીકારીઓ તથા ભાજપના હોદ્દેદારોને સુચનાઓ આપવામાં આવી હોય એવા ટાણે લોક ધસારા માટે બેઠક વ્યવસ્થા વાહન પાર્કિંગ  સહિતની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી દિવસભર શહેરમાં રોકાણ કરી વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણમાં સભાગી થવાના હોય આથી છેલ્લા બે દિવસથી શહેરના તમામ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ સાથે સાફ સફાઈ અને રોડ રસ્તાઓનું સમારકામ યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. તો બીજી તરફ નારી ચોકડી સર્કલ, વડલા સર્કલ, નિલમબાગ સર્કલ, જવેર્લ્સ સર્કલ સહિતના સર્કલોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. તો બીજી બાબત એવી પણ છે કે રાષ્ટ્રીય દરજજાના હોદ્દેદારો અને સ્ટેટ લેવલના મંત્રીઓની આગતા સ્વાગતામાં કોઈ કચાશ ન રહે તે માટે ભાજપ દ્વારા તનતોડ પ્રયાસો આદરવામાં આવ્યા છે.

સળગતા મુદ્દાઓથી શાસક પક્ષ ચિંતીત

ઉપરાષ્ટ્રપતિ ખાતમુહૂર્ત પ્રસંગે ભાવનગર આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર જીલ્લાના વિવિધ સળગતા પ્રશ્ને દેખાવો યોજી ખલેલ પહોંચાડે તેવી ભીતી સેવાઈ રહી છે. ખાસ કરીને જિલ્લાના બાડી પડવા સ્થિત જમીન સંપાદન મુદ્દો તળાજાના દરિયાકાંઠેની જમીનો ખાનગી કંપનીને માઈનીંગ માટે ફાળવવા સહિતના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ ખેલ પાડે તેવી શક્યતા હોય જે બાબતે શાસક પક્ષ સતત ચિંતીત છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Previous articleદશામાના ઉત્સવનો પ્રારંભ
Next articleતળાજા વન વિભાગ તથા શિક્ષણ જગતના સંયુકત ઉપક્રમે વિશ્વ સિંહ દિવસની ઉજવણી