સવર્ણો માટે  સરકારનો માસ્ટર સ્ટ્રોક  : વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ આપવાની જાહેરાત

1545

ગુજરાત સરકારે સવર્ણો માટે આજે આકર્ષક યોજનાઓનો વરસાદ કર્યો હતો જેના ભાગરુપે શ્રેણીબદ્ધ યોજનાઓ જાહેર કરીને સવર્ણ સમુદાયમાં ખુશીની લહેર ફેલાવી દીધી હતી. યોજનાઓના ભાગરુપે વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ અને ટ્યુશન ફી પેટે ૧૫૦૦૦ની મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બિનઅનામત વર્ગની ૫૮ જાતિઓના દોઢ કરોડ લોકોને ચાલુ શૈક્ષણિક વર્ષથી નવા લાભ મળશે.

પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી સહિતના મુદ્દાઓને લઇ પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલ તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતરનાર છે ત્યારે તે પહેલાં જ રાજય સરકાર દ્વારા આજે એક મહત્વપૂર્ણ કૂટનીતિના ભાગરૂપે હાર્દિક પટેલના મનસૂબાઓ પર પાણી ફેરવાઇ જાય તે પ્રકારે આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બહુ ગણતરી સાથે સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા શૈક્ષણિક સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી હતી.

રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની સાત જેટલી આકર્ષક યોજનાઓની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ ગુજરાતની ૫૮ સવર્ણ જ્ઞાતિઓના દોઢ કરોડ લોકોને મળશે. આજે જાહેર કરાયેલી તમામ યોજનાઓ આ વર્ષે શરુ થયેલા શૈક્ષણિક સત્રથી જ લાગુ પડી જશે તેમ પણ નીતિન પટેલે સ્પષ્ટ કર્યું હતું. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન શરૂ થાય તે પહેલાં જ સરકારે માસ્ટરસ્ટ્રોક મારી દેતાં ગુજરાતના રાજકારણમાં જોરદાર ચર્ચા શરૂ થઇ છે. તો, આ મામલે કોંગ્રેસ પણ જાણે બેકફુટ પર આવી ગયું છે. આ અંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન બાદ સરકારે રચેલા બિન અનામત વર્ગ દ્વારા કરાયેલી વિવિધ ભલામણોને ધ્યાનમાં લઈને સરકારે આ યોજનાઓ બનાવી છે. જેમાં ઉચ્ચ અભ્યાસ માટે સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓને ૧૦ લાખ રુપિયાની ચાર ટકાના વ્યાજે લોન, વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખ રુપિયાની લોન આપવા સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે. આ સિવાય વિવિધ ખાનગી કે સરકારી હોસ્ટેલોમાં રહીને ભણતા સવર્ણ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાયની પણ નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ રુપિયાથી ઓછી હોય તેવા સ્નાતક કક્ષાના સ્ટુડન્ટ્‌સને સરકાર મહિને ૧૨૦૦ રુપિયા લેખે ભોજનબીલ સહાયતા આપશે.

Previous articleઐતિહાસિક મુસાફર બંગલાની અવદશા…
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે