ભાવનગર,તા.૧૧
ભાવનગર શહેર ખાતે આવતી કાલે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈંયા નાયડુ, ગુજરાતના રાજયપાલશ્રી ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર અધેલાઇથી નારી નેશનલ હાઇવે નં ૭૫૧ સેકશનને ચાર માર્ગીય કરવાના શિલાન્યાસ કરવાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું નીરિક્ષણ આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાએ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં કર્યુ હતું.
ભાવનગર શહેરના નારી ચોકડી ખાતે યોજાનાર શિલાન્યાસ વિધિ કાર્યક્રમની તૈયારીઓનુ કેન્દ્રીય મંત્રીશ્રીએ નીરીક્ષણ કરી કાર્યક્રમ સૂચારુરૂપે સંપન્ન થાય તે માટે જરૂરી નિર્દેશો ઉપસ્થિત અધિકારીઓને આપ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, રોડ છે તો ગતિ છે અને ગતિ છે તો પ્રગતિ છે. આ ગતિ જ વિકાસની પરિચાલક આવનારા સમયમાં બની રહેશે. દેશમાં ઝડપથી પરિવહન માટે માર્ગો, બંદર માર્ગો વગેરેનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. આથી જ કેન્દ્ર સરકાર દરિયાઇ કાંઠે આવેલા માર્ગોને ફોર ટ્રેક બનાવી પરિવહનને ઝડપથી બનાવી રહી છે.
પ્રસ્તાવિત રોડ ભાવનગરને અમદાવાદ સાથે જોડે છે તેની રૂપરેખા આપી તેમણે જણાવ્યું કે, પ્રસ્તાવિત રોડ થી અમદાવાદ અને ભાવનગર વચ્ચેનું અંતર ઘટશે તથા મુસાફરીના ૪ કલાક થતા હતા તે ઘટીને ૨.૫ કલાક થશે.
નારી-અધેલાઇ ફોર ટ્રેક રોડના નિર્માણ સાથે કનેકટીવીટી સરળ બનવા સાથે ભાવનગરના વિકાસના દ્વાર ખુલશે. તે દ્રષ્ટિએ પણ આ રોડ ખુબ જ મહત્વનો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, આ રોડ ધોલેરા સરને જોડશે. ધોલેરા સરમાં પણ આગામી સમયમાં ૨૬ કિ.મી.નો રોડ બનશે. આ રોડ પછીથી એકસપ્રેસ હાઇવે સાથે જોડાઇ અમદાવાદ સાથે સક્ષમ રોડ માર્ગનું નિર્માણ કરશે. વેરાવદર કાળીયાર પાર્કમાં વન્ય સંપદા અને વન્ય જગત મુક્ત રીતે વિહરી શકે તે માટે ઇકો સેન્સીટીવ વિસ્તારમાં આ પ્રસ્તાવિત રોડ પર એલીવેટેડ રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. તેમ ઉમેર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, અધેલાઇ-નારીનો રાજમાર્ગ ૩૩.૩૦૮ કિ.મી. લંબાઇનો અંદાજિત રૂ. ૮૨૦ કરોડના ખર્ચે આકાર પામનાર છે. આ રોડ આર. સી. સી. નો બનશે. જેમા ૬ મુખ્ય પુલ, એક નાનો પુલ અને ૧.૩ કિ.મી.નો એક ફલાયઓવર, ૫૪ બોક્ષ નાળા, ૫.૧૩૫ કિ.મી(૭.૫ મીટર પહોળાઇ) ૨ = ૧૦૨૭ કિ.મી.નો સર્વિસ રોડ, ૨ મુખ્ય જંકશન, ૧૪ નાના જંકશન અને ૫ બસ સ્ટેન્ડ સાથેનો બનશે.