ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોંડલમાં આવેલા લોકપ્રિય રામનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. સાથે સાથે રાજ્યના કલ્યાણ માટે ખાસ પૂજા કરી હતી. મુખ્યમંત્રીની સાથે એક વખતે મોટી સંખ્યામાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે લોકોને ઝડપી ન્યાય મળી રહે એ માટે કોર્ટને આધુનિક બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને રાજ્યના તમામ તાલુકાની કોર્ટની ઇમારત નવી બને એવું આયોજન રાજ્ય સરકારનું છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરના મધ્યમાં રહેલી જિલ્લા કોર્ટને ઘંટેશ્વર ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડિંગ બનાવાશે. તેમજ ગાંધીનગરમાં પણ નવા કોર્ટ બિલ્ડિંગનું આયોજન હાથ ધરવામાં આવશે. વિલંબથી મળતો ન્યાય, ન્યાય ન મળવા સમાન છે, એમ અંગ્રેજી કહેવતને ટાંકતા તેમણે કહ્યું હતું. સુશાસન માટે કોર્ટની મહત્તા આલેખતા રૂપાણીએ જણાવ્યું કે, લોકોને જો ઝડપથી ન્યાય મળે તો તેને સારી વ્યવસ્થા અને સુશાસનનો અહેસાસ થશે અને ત્યારે જ ન્યાયનું રાજ્ય સ્થાપિત થયું હોય એવું લોકોને લાગશે.
રૂલ ઓફ લો માટે લોકોને ન્યાય સાથે કાયદા મુજબ કડક સજા થાય એ જરૂરી છે. આ માટે ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને વકીલોના સંકલિત પ્રયાસોની જરૂર છે. મુખ્યમંત્રીએ મુખ્ય ન્યાયમૂર્તિ રેડ્ડીની પડતર કેસોના નિકાલ માટેની ઝૂંબેશની પ્રશંસા કરી હતી તેમજ કોર્ટને જરૂરી સહકાર આપવાની ખાતરી પણ આપી હતી.