જળ માટે જળસમાધિ..! હાર્દિક-લલિત વસોયાની અટકાયત

1368

ભાદર નદી અને ભાદર-૨ ડેમમાં ભળતા જેતપુરના કારખાનાઓનાં કેમિકલયુક્ત પ્રદૂષણને અટકાવવાને બદલે તેને છાવરવામાં વ્યસ્ત સરકાર-પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે આજે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જળ સમાધિનો કાર્યક્રમ યોજ્યો હતો.

જોકે, ભાદર નદીમાં પ્રદુષણ મુદ્દે જળ સમાધિ લે તે પહેલા લલિત વસોયાની અટકાયત કરી ડીવાયએસપી કચેરી લઈ જવામાં આવ્યા છે. લલિત વસોસાની સાથે ભાદર બચાવો ડેમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા હાર્દિક પટેલને પણ ડીવાયએસપી કચેરીએ લઈ જવાયા હતા.ભૂખી ગામે ‘ભાદર બચાવો’ અભિયાનની મહાસભા બાદ બંને નેતાઓની અટકાયત બાદ જ ગ્રામજનોનો રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં હાર્દિક પટેલ અને લલિત વોસોયાના સમર્થકો જેતપુર ડીવાયએસપી કચેરીએ ઉમટી પડ્યા હતા.

ધોરાજીના ભૂખી ગામે ભાદર બચાવો અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ કે, જળસમાધિ લેવાની મને ઈચ્છા નથી. પરંતુ પ્રજાના પ્રશ્ને જે કાંઈ કરવુ પડશે તે કરીશ. તેમણે કહ્યુ કે મારો વિરોધ જેતપુરના ઉદ્યોગપતિઓ સામે નથી. પરંતુ પ્રદુષિત પણી ઠાલવવામાં આવે છે તેની સામે છે.લલિત વસોયાએ કહ્યુ કે ભાદર નદીમાં પ્રદુષણએ પ્રજાનો પ્રશ્ન છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લોકોના પ્રશ્ને આગળ આવવુ તે મારી ફરજ છે. ભાદરના પાણી પીવાલાયક ન હોવા છતાં તે પીવા માટે આપવામાં આવે છે. પ્રદુષિત પાણીને લઈને મુખ્ય પ્રધાનથી માંડીને સંલગ્ન અધિકારીઓ સુધી વાતચીત કરી છે. છેલ્લે રાજ્યપાલને પણ રજૂઆત કરી. જોકે, હજુ સુધી આ પ્રસ્નો ઉકેલાયો નથી.

અટકાયત કરવામાં આવેલા હાર્દિક પટેલે કહ્યુ કે, મને કાર્યક્રમ સ્થળે ન જવા માટે રૂપિયા ૫૦ લાખની ઓફર થઈ હતી અને લલિત વસોયાના એક કરોડની ઓફર થઈ હોવાનો પણ હાર્દિક પટલે આરોપ લગાવ્યો છે.

હાર્દિકે કહ્યું કે, “રાજ્યમાં પીવાના પાણીની તકલીફ ચાલી રહી છે. લોકહીતના તમામ કામોમાં હાજર રહેવાની ફરજ છે. ગુજરાતની નદીઓમાં આવી જ રીતે કેમિકલવાળું પાછી છોડવામાં આવશે તો જમીન ખરાબ થઈ જશે. આ કોઈ આતંકવાદીની સભા નથી કે આટલી બધી પોલીસ ખડકી દેવામાં આવી છે.”

હાર્દિકે મીડિયાને સંબોધતા કહ્યું કે, “લલિત વસોયાના સમર્થન માટે હું અહીં આવ્યો છું. લોકહીતના કામોમાં જોડાવવાની મારી ફરજ છે. જો આવા સમયે હું તેમની સાથે હાજર ન રહું તો હું નકામો છું તેવું સાબિત થાય.”

ભૂખી ગામનાં સરપંચ ગોવિંદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રદૂષણનો પ્રશ્ન હલ નહીં થાય તો સમગ્ર ગ્રામજનો જળસમાધિ લઈ લેશે. આ કાર્યક્રમમાં ધોરાજી, જેતપુર, ઉપલેટા, કુતિયાણા, માણાવદર પંથકના લોકો ઉમટી પડ્યાં હતા.

Previous articleઆજથી શ્રાવણમાસનો થશે પ્રારંભ શિવાયલોમાં ભક્તોની ભીડ જામશે
Next articleધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહની પ્રાયોગિક પરીક્ષા હવે ગુજરાત શિક્ષણ બોર્ડ લેશે