ગુજરાતમાં ૧૮ ડિસે. પૂર્વે ચૂંટણી : પંચની સ્પષ્ટતા

1584
guj11102017-9.jpg

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે કાર્યક્રમ જાહેર થતાં આની ચર્ચા જોવા મળી હતી. જો કે, આ સંદર્ભમાં ચૂંટણી પંચે કેટલાક તારણો આપ્યા હતા. ગુજરાતમાં ચૂંટણીની તારીખોમાં હજુ વિલંબ થઇ શકે છે. જો કે, ચૂંટણી પંચે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ગુજરાત ચૂંટણી પણ ૧૮મી ડિસેમ્બર પહેલા જ યોજાઈ જશે. ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાતના ચીફ સેક્રેટરીઅને રાજ્ય સરકારે ચૂંટણી પંચને પત્ર લખીને વધારાના સમયની માંગણી કરી હતી. કારણ કે, જુલાઈ મહિનામાં આવેલા પુર અને રાહત અને પુનઃવસવાટના કામો હજુ પરિપૂર્ણ કરવામાં આવ્યા નથી. મુખ્ય ચૂંટણી કમિશનર એકે જ્યોતિ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી હતી. માર્ગો સંપૂર્ણપણે ધોવાઇ ગયા હતા. સપ્ટેમ્બર મહિનામાં રાહત કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી જેથી રાજ્ય સરકારે આચારસંહિતા અમલી બને તે પહેલા વધારાના સમયની માંગણી કરીહતી. આ ઉપરાંત પણ ચૂંટણીપંચે અન્ય કેટલાક કારણો આપ્યા હતા. જો કે, પંચે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૧૮મી ડિસેમ્બર પહેલા પરિપૂર્ણ કરી લેવામાં આવશે.  ગુજરાતમાં ૧૮૨ સભ્યોની વિધાનસભાની અવધિ ૨૨મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે પૂર્ણ થનાર છે. આવી જ રીતે ગુજરાતમાં વિધાનસભાની અગાઉની ચૂંટણી એટલે કે ૨૦૧૨માં બે તબક્કામાં યોજાઇ હતી. ૧૩મી અને ૧૭મી ડિસેમ્બરના દિવસે બે તબક્કામાં વર્ષ ૨૦૧૨માં ચૂંટણી યોજાઇ હતી.હાલમાં કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાતની મુલાકાત લઇને ચૂંટણી તૈયારીની સમીક્ષા કરી હતી. રાજકીય પક્ષો સાથે બેઠકો પણ યોજી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ હાલમાં ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી હતી.જે દરમ્યાન ચૂંટણી પંચના અધિકારીઓએ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ તથા સત્તાધીશો સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુક્ત અને વાજબી વાતાવરણમાં યોજવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી અને સ્પષ્ટ કરી દીધુ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં જ યોજાશે. ચૂંટણી દરમ્યાન નાણાંનો દૂરપયોગ નાથવા માટે ૨૪ કલાકના કંટ્રોલ રૂમ રાજયમાં શરૂ કરવાની વાત પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. સાથે સાથે સર્વેલન્સ સ્કવોડની ટીમો ચેકીંગ માટે ઉતારવાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત બેંક ટ્રાન્ઝેકશન પર પણ સતત નજર રાખવાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો હતો.   રાજયમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ૫૫ હજાર જેટલા પોલીંગ સ્ટેશન ઉભા કરવામાં આવનાર છે. જયાં સીસીટીવી કેમેરા, લોખંડી સુરક્ષા વ્યવસ્થા સહિતની ફુલ પ્રુફ વ્યવસ્થા તૈનાત  કરવાની વાત પણ હાલમાં ચૂંટણી પંચે કરી હતી. ગુજરાત રાજયમાં ૨૫મી સપ્ટેમ્બરે મતદાર યાદી સુધારણા પૂર્ણ થઇ ગઇ હતી અને રાજયમાં કુલ ૧૦ લાખ, ૪૬ હજાર નવા મતદારો ઉમેરાયા છે.આ સાથે રાજયના કુલ મતદારો ચાર કરોડ, ૩૩ લાખ મતદારો નોંધાયા છે. રાજયમાં કુલ ૫૦,૧૨૮ મતદાન મથકો ઉભા કરાશે, ગત ચૂંટણી કરતાં આ વખતે પાંચ હજાર જેટલા મતદાન મથકોનો વધારો કરાયો છે. ચૂંટણી દરમ્યાન નાણાંકીય દૂરપયોગ નાથવા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવનાર છે. પંચની ટીમને બે દિવસની ગુજરાતની મુલાકાત દરમ્યાન વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, પ્રતિનિધિઓ અને લોકોએ મળીને કેટલીક રજૂઆતો કરી હતી અને સારી રીતે ન્યાયપૂર્ણ વાતાવરણમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે માટેના વાંધા-સૂચનો પણ રજૂ કર્યા હતા. જેમાં રાજકીય પક્ષોએ ખાસ તો, ચૂંટણી દરમ્યાન નાણાંનો દૂરપયોગ ના થાય તે જોવા, મતદારયાદીમાં કોઇ ગડબડ ના થાય તે માટેની તકેદારી રાખવા, વોટર સ્લીપની વહેંચણી સરકારી અધિકારી દ્વારા જ કરવામાં આવે સહિતના વિવિધ મુદ્દાઓ પરત્વે રજૂઆત અને માંગણી કરી હતી.

Previous articleચૂંટણી ગિફ્ટ : ગુજરાત સરકાર દ્વારા રાહતોની લ્હાણી
Next articleગુજરાત ચૂંટણી તારીખોની જાહેરાત કેમ નહીં : કોંગ્રેસ