ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુર્વે રાજય સરકારે વાલીઓને રીઝવવા શાળાઓની ફિ નક્કી કર્યા બાદ મામલો હાઇકોર્ટથી સુપ્રિમ કોર્ટ સુધી પહોચ્યો હતો. સુપ્રિમ કોર્ટે ફરીથી ફી રેગ્યુલેશન કમિટી (એફઆરસી) નું ગઢન કરી કેટલીક છુટછાટો આપી. બાદમાં એફઆરસી દ્વારા શાળાઓને ફિ બાબતે જે મોટી ફિ વસુલવાની મંજુરી આપી તે કયા આધારે આપી તેનો જવાબ એફઆરસીએ વાલીઓને ન આપતા વાલીઓએ લડતનાં મંડાણ કર્યા છે.
સરકારી નક્કી કરેલી ફી કરતા વધારે ફિ લેવા માંગણી શાળાઓ તેમની કારણો સાથેની દરખાસ્ત એફઆરસી સમક્ષ મુકશે અને એફઆરસી તેનું યોગ્ય અવલોકન કરીને મંજુરી આપશે તેવા કોર્ટનાં સુચન બાદ ફરી એફઆરસીની રચના કરવામાં આવી, સંખ્યાબંધ સ્કુલોએ જુની ફી કરતા પણ વધારે ફીની દરખાસ્ત મુકી.તેમાં થોડો ઘટાડો કરીને એફઆરસીએ મોટી ફિ ઉઘરાવવાની મંજુરી આપી.
વાલી શૈલેન્દ્રસિંહ ચૌહાણ તથા પ્રકાશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે ગાંધીનગરની એક ખાનગી શાળાને પ્રિ-પ્રાઇમરી (નર્સરી)માં રૂ.૪૮ હજાર, કેજીમાં ૫૮ હજાર, પ્રાઇમરીમાં રૂ.૪૦ હજાર, અપર પ્રાઇમરીમાં ૪૨ હજાર, સેકન્ડરીમાં ૪૨ હજાર, ધોરણ ૧૧ કોમર્સમાં ૫૩ હજાર, ધોરણ ૧૨ કોમર્સમાં રૂ.૫૫ હજાર તથા ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સમાં રૂ.૫૮-૫૮ હજાર લેવાની આ શાળાને એફઆરસીએ મંજુરી આપી પણ દીધી.
વાલીઓ દ્વારા એફઆરસી પાસેથી માહિતી માંગવામાં આવી તે સ્કુલે એવી કઇ સવલતો કે કારણો રજુ કર્યા કે આટલી મોટી ફિની છુટ આપી ? તો એફઆરસીએ આ સવાલનો જવાબ જ આપવાની ના પાડી દીધી. આરટીઆઇથી જવાબ માંગ્યો તો પણ જવાબ ન આપી શકાય તેવુ જણાવ્યુ. ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને ફરી એફઆરસીમાં આરટીઆઇ કરી તો કહ્યુ કે શાળાને પુછી લઇએ! શાળા કહે તો જ માહિતી આપી શકીએ!નો લેખીત જવાબ આપ્યો! ત્યારે એફઆરસી ખાનગી શાળાઓનાં ખોળામાં બેસી ગઇ હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરીને સોમવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મળવાનું નક્કી કર્યુ છે અને આ દિશામાં લડી લેવાનાં મુડમાં છે. ગાંધીનગરનાં અન્ય વાલીઓને પણ સાથે રાખીને વાલી મંડળ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ફિ નક્કી કરવા પાછળ સરકારનો ઇરાદો સારો હતો. પરંતુ એફઆરસી મનમાની ચલાવી રહી છે. એફઆરસી કમિટીને મળવા ગયા તો કશુ સાંભળવા તૈયાર નથી. વાલીઓ કશુ બોલે તો ત્યાં જ ચુપ કરી દેવામાં આવે છે. ત્યારે પાદર્શીતા કે તટસ્થ જેવુ એફઆરસીમાં કશુ દેખાતુ નથી.