દેશની રાજધાનીમાં યુવાનોનું ખુબજ મહત્વ છે. યુવાનોમાં રહેલી ઊર્જા, કેલીબર, કેપેસીટી, કોન્ફીડન્સ અને કેરેકટર દ્વારા દેશનો વિકાસ થશે લોકશાહીના જતન માટે ગુનાખોરી માનસને નાબુદ કરી તમામ સમાજને ન્યાય મળે તે માટે જાતિ આધારિત રાજનિતિ દુર થાય તે આવશ્યક હોવાનું ભાવનગર ખાતે નારીથી અધેલાઈ સુધીનાં ફોરટ્રેક રોડનાં શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેલા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું.
રૂા.૮૨૦ કરોડનાં ખર્ચે નારીથી અધેલાઈ સુધીનાં ૩૩.૩ કી.મી.નાં ફોરટ્રેક રોડનો શિલાન્યાસ સમારોહ આજે ભારતનાં રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતીમાં યોજાયેલ આ પ્રસંગે રાજ્યના ગર્વનર ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી મનસુખ માંડવીયા, મંત્રી વિભાવરીબેન દવે, પ્રદિપસિંહ જાડેજા, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર મનહરભાઈ મોરી જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા તથા ધારાસભ્યો પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વેંકૈયા નાયડુ, મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતનાં હસ્તે શાસ્ત્રોક્ત વિધી સાથે નારી ચોકડી ખાતે ખાતમુર્હુત કરાયુ હતું. ત્યારબાદ યોજાયેલા સમારોહમાં મનસુખ માંડવીયાએ સ્વાગત પ્રવચન સાથે યોજવાની વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભાવનગરવાસીઓને ગુજરાતમાં પ્રવચન કરીને અભિનંદન પાઠવ્યા હતા અને ઐતિહાસિક નગરી ભાવેણામાં આવવાનો અવસર મળ્યો તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતનાં પનોતા પુત્ર ડો.વિક્રમ સારાભાઈનાં આજનાં જન્મદિનને યાદ કરવા સાથે ગુજરાતનાં સપુતો મહાત્મા ગાંધી, સરદાર, મોરારજી દેસાઈ, નરેન્દ્ર મોદીનાં યોગદાનની સરાહના કરી હતી.
તેમણે ગત વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ૯૮૦૦ કી.મી. રસ્તાઓનું અને ૨૦૧૮-૧૯માં ૧૬૦૦૦ કી.મી. રસ્તાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યુ હોવાનું જણાવવા સાથે ગ્રામીણ સડક બનાવવા તેમજ ગામડાઓને ફાયરબર ઓપ્ટીકલ અને વીજ જોડાણથી જોડીને દેશનો વિકાસ કરાઈ રહ્યો છે. ગામડાની શહેરો અને શહેરોથી રાજ્યનાં સડક નિર્માણ અંગે થઈ રહેલાં વિકાસ અંગે પણ તેમણે જણાવ્યું હતું.
નાના-નબળા અને પછાત વર્ગોનું ઉત્થાન કરીને તેનાં વિકાસને પ્રાથમિકતા આપી દેશને ભય, ભ્રષ્ટાચાર અને અત્યાચારથી મુક્ત કરાવવાનો છે તેમ તેમણે જણાવ્યું હતું રાજનેતાની પસંદગી તેનાં કેરેકટર, કેપીસીટી અને કેલીબર જોઈને કરવી જોઈએ નહી કે કેશ, ક્રિમીનલ અને કોમ્યુનિટીનાં આધારે દેશમાં જાતિ આધારિત રાજનીતિ દુર થાય તે અતિ આવશ્યક હોવાનું ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું. તેમણે કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી ડો. મનસુખ માંડવીયાની કામગીરીને બિરદાવી હતી અને નારી-અધેલાઈ ફોરટ્રેક રોડ થશે ત્યારે ભાવનગર-અમદાવાદ વચ્ચેનું અંતર, ઈંધણ અને નાણાનો બચાવ થશે અને ભાવનગરનો ઝડપી વિકાસ થશે તેમ જણાવેલ.
હાઈ-વે નિર્માણનાં કામથી વિકાસ થશે : ઓ.પી.કોહલી
નારીથી અધેલાઈ સુધીનાં ફોરટ્રેક રોડનાં શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રાજ્યપાલ ઓ.પી. કોહલીએ કોઈપણ વિસ્તારનાં વિકાસ માટે રસ્તાનો વિકાસ મહત્વનો છે. ત્યારે હાઈ-વે નિર્માણનાં કામથી વિકાસ ઝડપી થશે તેમ જણાવેલ કેન્દ્ર સરકારની સાગરમાલા યોજનાં હેઠળ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. રાજ્યનાં પવિત્ર યાત્રાધામોને ચારમાર્ગીય બનાવવામાં આવી રહ્યા છે. ગતિ અને પ્રગતિનાં કારણે સામાજિક અને આર્થિક વિકાસનાં સીધા લાભ પ્રજાને મળી રહ્યા છે. સડક નેટવર્કને મજબુત બનાવવા ગુજરાત સરકારે સારી કામગીરી કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતને થતો અન્યાય ભુતકાળ બન્યો : મુખ્યમંત્રી
નારીથી અધેલાઈ સુધીનાં ભાવનગરનાં ચારમાર્ગીય રસ્તો, પ્લાસ્ટીક પાર્ક અને જીઆઈડીસીમાં વધારો કરીને રાજ્ય સરકાર ભાવનગરનાં વિકાસ માટે કૃતનિશ્ચયી છે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને થતો અન્યાય ભૂતકાળ બની ગયો છે કેન્દ્ર અને રાજ્ય સરકારનાં આયોજનથી ગુજરાત વિશ્વનાં વિકાસનું સિમ્બોલ બનશે ભાવનગરને પ્લાસ્ટિક પાર્ક માટે ૧૫૧ એકર જમીન જીઆઈડીસીને ફાળવવામાં આવી, ૮ હજાર કરોડનાં રસ્તા, રેલ્વે ટ્રાફીકને ધ્યાને લઈને લઈને ઓવરબ્રિજથી સાંકળવાનું તથા જાન માટે એસ.ટી. બસો રાહતદરે ફાળવવા રાજ્ય સરકારે લીધેલો નિર્ણય લોકોને મદદરૂપ બનશે.
બગોદરાથી ભાવનગર ફોરટ્રેક રોડ બનાવાશે : નિતિન પટેલ
ગુજરાતમાં દર વર્ષે આઠથી નવ હજાર કરોડનાં માર્ગોનું નિર્માણ કરવામાં આવે છે ગામોમાં આર.સી.સી. રોડ બનાવાય છે પરંતુ ભાવનગરની વર્ષોથી માંગણી નારીથી અધેલાઈ સુધીનાં ૩૩ કિ.મી. જેટલો રોડ ફોરટ્રેક આરસીસી બનાવવાનો છે તેનાથી ૩૦ કિ.મી. સુધીનું અંતર ઘટવા ઉપરાંત ઈંધણની બચત થશે ત્યારે હવે બગોદરાથી ભાવનગર સુધીનો રસ્તો પણ ફોર ટ્રેક બનાવવાની તેમણે જાહેરાત કરી હતી અને રેલ્વે ફાટકો ઉપર ઓવરબ્રિજ બનાવવા પણ રાજ્ય સરકાર કટીબધ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભાવેણાનાં વિકાસની નવી દિશા ખુલશે : જીતુ વાઘાણી
ભાવેણાવાસીઓની વર્ષો જુની ભાવનગરને અમદાવાદ સાથે જોડતા ફોરટ્રેક રોડની માંગણી સંતોષાવાનો આજે પ્રારંભ થયો છે. નારીથી અધેલાઈ સુધીનો ચારમાર્ગીય આરસીસી રોડ બનાવાનો છે. અને રાજ્યનાં તમામ રસ્તાઓ સાથે સંકળાવાથી ભાવેણાનાં વિકાસની નવી દિશા ખુલશે તેમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમનાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.