ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આગામી ૧૫મી ઓગષ્ટથી સમગ્ર ગુજરાતમાં ભાજપા સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો શુભારંભ થવા જઇ રહ્યો છે. ગુજરાતનું ભાજપા સંગઠન સર્વવ્યાપી અને સર્વસ્પર્ષી સંગઠન બન્યું છે. સંગઠનનો વ્યાપ વધુને વધુ વિસ્તારવા માટે ભાજપા સંગઠનની પરંપરા મુજબ દર ત્રણ વર્ષે સદસ્યતા નોંધણી કાર્યક્રમો થતા હોય છે તે અનુસંધાને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં આગામી ૧૫ ઓગષ્ટથી ૨૧ ઓગષ્ટ દરમ્યાન સમગ્ર ગુજરાતના ૪૧ જીલ્લામાં સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચલાવવામાં આવશે. પંડ્યાએ ઢજણાવ્યુ હતુ કે, આગામી ૧૫ ઓગષ્ટથી સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો સમગ્ર ગુજરાતના શક્તિકેન્દ્રોથી પ્રારંભ થવાનો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી – ભાવનગર, કેન્દ્રિય મંત્રી અને રાષ્ટ્રીય ઉપાધ્ય પરષોત્તમભાઇ રૂપાલા – અમરેલી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા – ગાંધીનગર, કેબીનેટ મંત્રી આરસી ફળદુ – સુરેન્દ્રનગર, કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા – રાજકોટ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર – સુરત, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા – જુનાગઢ,પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ – બનાસકાંઠા, રાજ્યસભાના સાંસદ અને અનૂસુચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શંભુનાથ ટૂંડીયા – બોટાદ ખાતે ઉપસ્થિત રહી સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભ કરાવશે. આ એક સપ્તાહના અભિયાનમાં જીલ્લા મહાનગરના મુખ્યમથક પર રાજ્ય સરકારના મંત્રી તથા આગેવાનઓ ઉપસ્થિત રહેશે. તેજ રીતે ભાજપાના પ્રદેશ આગેવાનઓ, જીલ્લા પદાધિકારીઓ તથા વિવિધ મોરચાના આગેવાનઓ જુદા જુદા શક્તિકેન્દ્રો પર ઉપસ્થિત રહી સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભ કરાવશે. પંડ્યાએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના નેતૃત્વમાં ભાજપા આજે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. લોકકલ્યાણકારી નીતિઓ અને અંત્યોદયની ભાવના સાથે કાર્યરત ભાજપાના સંગઠનનો દેશભરમાં વ્યાપ અને જનાધાર ઉત્તરોત્તર વધી રહ્યો છે.
ભારતમાં ૨૦ જેટલા રાજ્યોમાં ભાજપાની સરકારો સેવાના મંત્ર સાથે કાર્યરત છે. ગુજરાતમાં પણ ભાજપા ૧ કરોડથી વધારે સભ્યસંખ્યા ધરાવે છે. યુવા, મહિલા, દલીત, કિસાન એમ, સમાજના દરેક વર્ગના લોકો ભાજપા સાથે જોડાઇ જનસેવાના કાર્યોમાં સહભાગી થઇ રહ્યા છે ત્યારે, એક સપ્તાહના આ સદસ્યતા વૃધ્ધિ અભિયાન દ્વારા હજુ વધુને વધુ લોકો ભાજપા સાથે જોડાય અને સમાજઉપયોગી કાર્યોમાં પોતાનું યોગદાન આપી ગુજરાતના વિકાસને નવી ઉંચાઇઓ પર લઇ જવામાં મદદરૂપ બને તે હેતુથી સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.