ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલ ભંડારિયાના પુલની દિવાલ જર્જરીત થઈને નામશેષ થઈ છે. ગુરુવારે અહીં પુલ પરથી એક મહાકાય ટ્રક લટકી પડ્યો હતો. સદનસીબે દુર્ઘટના નિવારી શકાઇ હતી. પરંતુ આવી ઘટનાઓનું પુનઃરાવર્તન નહીં થવાની કોઈ ગેરંટી નથી.!
ભંડારિયામાં રાજાશાહી વખતના પુલ નિર્માણ થયા છે જે હજુ અડીખમ છે પરંતુ તેમના પરની રક્ષક દિવાલ જર્જરીત થઈને અસ્તિત્વ ભૂંસાવાના આરે છે. પુલની બંને બાજુની દિવાલને વાહનોના ઘસારાના વારંવાર નુકશાન પહોંચી રહ્યું છે. તંત્રને પણ કોઈ દરકાર ન હોય તેમ આરસીસીની મજબૂત દિવાલનું ચણતર કરવાના બદલે ઈટ,રેતી અને સિમેન્ટથી ચીલાચાલુ દિવાલ બનાવીને ગાડું ગબડાવયે રાખે છે. અનેક રજૂઆતો છતાં આંખ આડા કાન થઈ રહ્યા છે અને દીવાલ તૂટી પડવાની વારંવારની ઘટનાઓ પછી પણ તંત્ર ધડો લેતું નથી. ગુરુવારે વધુ એક ઘટનામાં મહાકાય ટ્રક દિવાલના અભાવે પુલ પર લટકી પડ્યો હતો. અહીં નીચે માલધારી સમાજના લોકો વસવાટ કરે છે જેમના પર કાયમ જોખમ તોળાતું રહે છે. ગુરુવારની ઘટના બાદ લોકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો હતો. અહીં પુલની નીચેની તરફ બાળકો પણ ખેલકુદ કરતા હોય છે પરંતુ સદનસીબે જાનહાની ટળી હતી. જોકે, ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેમ કહેવું મુશ્કેલ છે. તાકીદે પુલની બંને બાજુ આરસીસીની પાકી દિવાલનું ચણતર થાય એ સ્થાનિક લોકો ઉપરાંત વાહન ચાલકોના પણ હિતમાં રહેશે.!