દેશના ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી માણસામાં સવારે ૯.૦૦ કલાકે એસડી આર્ટસ એન્ડ બીઆર કોમર્સ કોલેજ કંમ્પાઉન્ડ પર યોજવામાં આવનાર છે. સ્વાાતંત્ર્ય દિન નિમિત્તે રાજ્યના કોઇ મંત્રીની ફાળવણી ગાંધીનગર જિલ્લા માટે કરવામાં આવી નહીં હોવાથી કલેકટર એસ કે લાંગાના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણીનું નિવાસી અધિક કલેકટર એચ એમ જાડેજાની ઉપસ્થિતિમાં તારીખ ૧૩ મી ઓગસ્ટે માણસા ખાતે ગ્રાન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું હતું.
નિવાસી અધિક કલેકટરે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે યોજાનાર પરેડ તથા વિવિધ શાળાઓના યોજાનાર દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, જાહેર જનતા માટે કરવામાં આવેલ બેઠક વ્યવસ્થા જેવી અનેક બાબતોનું ખૂબ જ બારીકાઇથી નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી હતી. જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ સુંદર સાંસ્કૃતિક અને રાષ્ટ્ર ભક્તિસભર કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે કલોલ પ્રાંત અધિકારી હર્ષ યાદવ, નાયબ કલેકટર એ આર ઝાલા, દર્શનાબેન રાંક, જિજ્ઞાસાબેન વેગડા, જિલ્લા શિક્ષણાધિકારી એસ એમ બારડ, માણસા મામલતદાર પરમાર સહિત સંબંધિત અધિકારીઓ અને શાળા, કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
૧૫મી ઓગસ્ટના સ્વતંત્રતા દિનની જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી માણસાના કોલેજ ગ્રાઉન્ડમાં થનાર હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને કોલેજ ગ્રાઉન્ડમાં રીહર્સલ યોજાયું હતું જેનું પ્રત્યક્ષ નિદર્શન અધિક કલેકટર હનુમનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.