ભારતીય ખેલાડીઓની લોડ્ર્સ ટેસ્ટ મેચમાં શરણાગતિના પગલે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસેનનું કહેવું છે કે હાલમાં ‘પુરુષો વિરુદ્ધ છોકરાઓ’નો મુકાબલો છે અને મુશ્કેલીમાં મુકાઈ ગયેલી પ્રવાસી ટીમને રમત સુધારવાની અરજ તેણે કરી હતી.
વરસાદની ખલેલભરી તે ટેસ્ટમાં ભારતનો એક દાવ અને ૧૫૯ રનથી ફક્ત ચાર દિવસની રમતમાં પરાજય થયો હતો. ભારત બર્મિંગહામમાં પહેલી ટેસ્ટ પણ ૩૧ રનથી હારી ગયું હતું.
આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ વિશ્ર્વની શ્રેષ્ઠ ટીમ છે, એમ હુસેને ટેલિવિઝન મુલાકાતમાં કહ્યું હતું. પાંચ ટેસ્ટની શ્રેણીની ત્રીજી મેચ હવે શનિવારથી નોટીંગહામમાં ટ્રેન્ટ બ્રીજ ખાતે રમાનાર છે.
ભારત વિશ્ર્વની સર્વોચ્ચ ક્રમની ટીમ છે અને તેની વિરુદ્ધની આ શ્રેણી રસાકસીભરી બનવાની આશા કરાતી હતી, પણ હાલમાં તે મેચો ’પુરુષો વિરુદ્ધ છોકરાઓ’ના મુકાબલા બની ગયા છે.