હરિયાણાની સ્કૂલમાં એક વિદ્યાર્થીની ઘાતકી હત્યા બાદ દેશભરમાં મચી ગયેલા ખળભળાટ બાદ પડેલા ઘેરા પ્રત્યાઘાત બાદ ગુજરાત રાજયમાં પણ સરકારી અને ખાનગી તમામ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા દાદ માંગતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં થઇ છે. જેની સુનાવણીમાં આજે હાઇકોર્ટે રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નોટિસો જારી કરી છે. હાઇકોર્ટે જાહેરહિતની રિટમાં ઉઠાવાયેલા મુદ્દાને ગંભીર અને સંવેદનશીલ પણ ગણાવ્યો હતો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ મુકરર કરી છે.
આ કેસમાં બે દિવસ પહેલાં હાઇકોર્ટે તાજેતરમાં જ સીસીટીવી મુદ્દે સુપ્રીમકોર્ટે જારી કરેલા મહત્વના નિર્દેશોની વિગતો રજૂ કરવા અરજદારપક્ષને તાકીદ કરી હતી. જેના અનુસંધાનમાં અરજદારપક્ષ તરફથી સુપ્રીમકોર્ટના નિર્દેશોની વિગતો કોર્ટના રેકર્ડ પર રજૂ કરાતાં હાઇકોર્ટે સરકાર સહિતના સત્તાવાળાઓને નોટિસ જારી કરી તેઓનો જવાબ માંગ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, ગુજરાત રાજયમાં સરકારી અને ખાનગી શાળાઓમાં સીસીટીવીની પૂરતી સુવિધા કે વ્યવસ્થા જ નથી , જેના કારણે બાળકોની સલામતી અને સુરક્ષા જોખમાઇ રહી છે. શાળામાં આવનજાવન કરતાં બહારના મુલાકાતી અને અજાણ્યા માણસોનો કોઇ ડેટા, ફુટેજ કે રેકોર્ડ ઉપલબ્ધ હોતા નથી અને જો કોઇ સંજોગોમાં અનિચ્છનીય ઘટના ઘટે તો તે માટે જવાબદાર કોણ રહે. છેવટે ભોગવવાનું તો વાલીઓ અને વિદ્યાર્થીઓને જ આવે. અરજીમાં હરિયાણાની રેયોન સ્કૂલના વિદ્યાર્થીની ઘાતકી હત્યાના બનાવનો આધાર પણ ટાંકવામાં આવ્યો હતો. રાજયની સરકારી અને ખાનગી શાળાઓમાં સીસીટીવી લગાવવાથી બાળકોની સુરક્ષાને લઇ કંઇક અંશે પણ સમાધાન થઇ શકે તેમ છે પરંતુ મોટાભાગની શાળાઓમાં સીસીટીવીની સુવિધા જ નથી. એટલું જ નહી, અમદાવાદ શહેર સહિત રાજયની વૈભવી અને હાઇફાઇ ગણાતી સ્કૂલોમાં પણ સીસીટીવી કેમેરા જેવી અત્યંત અનિવાર્ય સુવિધા બાળકો-વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે ઉપલબ્ધ બનાવાઇ નથી.
આ સંજોગોમાં હાઇકોર્ટે રાજય સરકાર અને શિક્ષણ સત્તાવાળાઓને રાજયની તમામ શાળાઓમાં ફરજિયાતપણે સીસીટીવી લગાવવાના આદેશો જારી કરવા જોઇએ.