જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ માણસાની ધરતી પરથી ૭૨મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી પ્રસંગે તિરંગો લેહરાવી સલામી આપ્યા બાદ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલે સેંકડો રજવાડાઓને એકત્ર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. આજે ગુજરાતના બીજા એક પનોતા પુત્ર અને આપણા લોકલાડીલા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ’ એક ભારત શ્રેષ્ઠ ભારત ’ના નિર્માણ માટે કમરકસીને ભારતને આંતરરાષ્ટ્રીય ફલક પર વધુ દૈદિપ્યમાન બનાવ્યો છે. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં નિર્માણ પામશે અને દેશ-દુનિયાને સરદાર સાહેબનો એકતા, અખંડિતતા અને ભાઇચારાનો સંદેશ પ્રસરાવશે. ગ્રામજનો, યુવાનો, મહિલાઓ, વંચિતો અને ખેડૂતો સૌ કોઇનો સમતોલ વિકાસ કરવા આપણા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે સંવેદશીલતા સાથે ખૂબ ત્વરાથી પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ગૌરવદિનથી શરૂ કરાવેલા જળ અભિયાનમાં સતત એક માસ સુધી જિલ્લા વહીવટી તંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને જિલ્લાની જનતાએ મહામૂલો પરસેવો પાડી તથા અનેક કલાકોનું શ્રમદાન કરી જિલ્લાના ૧૩૮ તળાવ ઉંડા કરવાના લક્ષ્યાંક સામે ૧૯૯ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. જિલ્લામાં જળ અભિયાનના ૯૦ ટકા કામો લોકભાગીદારીથી થયા છે. જળસંચયના કુલ- ૨૫૫ કામોના લક્ષ્યાંક સામે ૨૭૯ કામો કરવામાં આવ્યા છે. જળ સંચયના વિવિધ કામો કરીને ૬ લાખ ૫૦ હજાર ઘનમીટર માટી/ કાંપનું ખોદણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં હયાત પાણીની સંગ્રહ ક્ષમતામાં ૨૨.૯૫ મીલીયન ધન ફૂટનો વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં વર્ષ-૨૦૦૦મા ખેડૂતોની આવક રૂ . ૧૪૦ કરોડ હતી. તે દોઢ દાયકાના સમયમાં આવક વધીને રૂ. ૧૩૮૧ કરોડ થઇ છે. જિલ્લામાં ૮૩ ટકા નાના અને સીમાંન્ત ખેડૂતો ઓછી જમીન ધરાવે છે, તેમ છતાં કૃષિક્ષેત્રના સંશોધનો અને કૃષિજ્ઞાનનો લાભ લઇ ખેડૂતોએ વધુ સધ્ઘરતા હાંસલ કરી છે. ગાંધીનગર જિલ્લામાં વર્ષ- ૨૦૧૭-૧૮ દરમ્યાન ટેકાના ભાવથી ૨૫૭૬ જેટલા ખેડૂતોની રૂ. ૩૩ કરોડથી વધુની મગફળીની ખરીદી કરવામાં આવી છે. તેમજ ૩૪૫ ખેડૂતો પાસેથી ૧૦૧ લાખથી વધુની કિંમતના ૨૩૧૨ કવીંટલ ચણાની ખરીદી કરવામાં આવી છે. તેમજ વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજના અંતર્ગત ૭૩૦ લાખની સહાય ચુકવવામાં આવી છે. વર્ષ-૨૦૧૭-૧૮ દરમ્યાન સોઇલ હેલ્થકાર્ડ માટે ગાંધીનગર જિલ્લામાં ૮૩૬૯ ખેડૂતોની જમીનના નમૂના લેવામાં આવ્યા હતા.