સાતશેરીના ડુંગરની પડખે જ પશ્ચિમ બાજુએ આ મહાદેવની જગા છે. તે પુરાતન હોય એમ જણાય છે. જુના શિહોરના મધ્યમાં તે હેશે એમ લાગે છે ત્યાં જવાને માટે પગથીયા ઠેઠ સુધી કરાવ્યા છે. પગથીયા ચડી અંદર જતાં પહેલા ખડકી આવે છે. તેમાં બેસતા વિશાળ ચોક અને જમણી બાજુ ધર્મશાલા છે. ત્યાંથી આગળ જતાં દહેરામાં જવાનું દ્વાર આવે છે. એ જુના દહેરાની અગાશીનો જીર્ણોધ્ધાર સવંત ૧૯૬૯ના અષાઢ માસમાં ભારદ્વાજ ગોત્રી પડંયા વેલજીના સ્મરમાર્થે પંડ્યા રતનજી વેલજીએ કરાવેલ છે. તેમજ પગથીયા મોઢ વાણીયા પરમાણંદદાસે પોતાના પિતા વ્રજલાલ વલ્લભદાસનાં સ્મરણ માટે કરાવ્યા તથા ઉપરનાં પગથીયા અને હેડલી બહારની અગાશી દોશી દુર્લભદાસ ખોડીદાસે બંધાવી સુખનાથ મહાદેવને અર્પણ કરી છે.
મહાદેવજીના દહેરા પછવાડે એક મોટી અગાશી દરબાર તરફથી બંધાયેલી છે. ત્યાં સરસ પવન આવે છે. કાર્તકી તથા ચૈત્રી પૂનમે પાલીતાણાના ડુંગર શેત્રુંજ્યના દર્શન કરવા શ્રાવકો અહી આવે છે. આ અગાશીમાંથી એ પર્વતના દહેરાનાં શિખર દેખાય છે. શ્રાવકોના દેવના પગલાં ત્યાં પધરાવેલા છે. અને હિંદુ તથા જૈન લોકો તેનો ઉપયોગ કરે છે.
સુખદેવ નામના બ્રહ્મચારીએ આ મહાદેવની સ્થાપના કરેલી તે ઉપરથી સુખનાથ નામ પડેલુ છે. સુખનાથની વાવ શહેરમાંથી મહાદેવ તરફ જતાં નજીકમાં વાવ છે. તે ફરતો અવેડો કરાવેલ છે એ અવેડો (હવાડો)દરબાર તરફથી ભરાતો. શહેરનાં તમામ ઢોર તેમજ તળાજા, મહુવા, ટાણા તરફ જતો ધોરી માર્ગ છે, તેની મુસાફરોનાં જાનવરો તેમજ ગાંડાના બળદો વગેરે પાણી પીએ છે ને ગાડા તથા મુસાફર આરામ લેવા ધારે તો લી શકે તેવુ છે.
જુના શિહોરનાં પૂરાતન મંદિરમાં માત્ર આ એક જ દહેરૂ નમુનારૂપ છે. ને તે જુની બાંધણીનું છે. દક્ષિણ બાજુના બ્રાહ્મણો ત્યાં પુજા કરવા જાય છે.