વડાપ્રધાન મોદીના મહાસંમેલનને લઇ ભાજપની જારદાર તૈયારીઓ

714
guj15102017-6.jpg

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તા.૧૬મી ઓકટોબરના ગાંધીનગર ભાટ ગામ પાસેના ટોલ પ્લાઝા નજીક વિશાળ ગ્રાઉન્ડમાં યોજાનારા પેજ પ્રમુખોના રાજયવ્યાપી ગુજરાત ગૌરવ મહાસંમેલનને લઇ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પેજ પ્રમુખોની જવાબદારી બહુ મહત્વની હોઇ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે પ્રેજ પ્રમુખો-કાર્યકરોને સંબોધન કરી તેમને ખાસ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી ઉત્સાહ વધારશે. મોદીના મહાસંમેલનમાં રાજયભરમાંથી પેજપ્રમુખો, કાર્યકરો, આગેવાનો અને નેતાઓ સહિત સાત લાખથી વધુ લોકો ઉમટશે. માત્ર અમદાવાદમાંથી જ આશરે એક હજાર કરતાં પણ વધુ બસો ભરીને પેજપ્રમુખો-કાર્યકરોને ભાટ ગામે મોદીના સંમેલનમાં લઇ જવાશે. આ સિવાય ટુ-વ્હીલ, ફોર વ્હીલર સહિતના ખાનગી વાહનો અલગ. મોદીના પેજપ્રમુખના મહાસંમેલનને લઇ ભાજપમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. અમદાવાદ શહેરના ૪૮ વોર્ડોમાં દરેક વોર્ડના બુથ પ્રમુખો સહિતના આગેવાનોને બસો ભરી ભરીને પેજ પ્રમુખો વડાપ્રધાન મોદીના મહાસંમેલનમાં લાવવાની જવાબદારી સોંપાઇ છે. આ અંગે નવા વાડજ વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી અને મહામંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વોર્ડમાંથી હજારો પેજ પ્રમુખો, કાર્યકરો અને અગ્રણીઓને મળી આશરે દોઢથી બે લાખ લોકોને ભાટ ગામે લઇ જવાનું પ્લાનીંગ છેલ્લા તબક્કામાં છે. આ માટે  એએમટીએસ બસ સહિતની બસો ફાળવવામાં આવી છે. શહેરના ૪૮ વોર્ડમાં વોર્ડ દીઠ સરેરાશ ૨૩૩ની આસપાસ બુથ હોય અને એક બુથમાં આશરે ૮૦૦થી ૧૨૦૦ પેજ પ્રમુખો હોય, તે ગણતરીએ અમદાવાદ શહેરમાંથી અંદાજે ૫૦ હજારથી વધુ પેજપ્રમુખો, કાર્યકરો, અગ્રણીઓ મળી દોઢથી બે લાખ લોકો વડાપ્રધાનના મહાસંમેલનમાં પહોંચે તેવો અંદાજ છે. આ સિવાય રાજયભરમાંથી બસો, ખાનગી વાહનોમાં ભરી ભરીને સાત લાખથી વધુ લોકો આ મહાસંમેલનમાં ઉમટવાનો અંદાજ છે. વડાપ્રધાન મોદીના ગૌરવ મહાસંમેલનને લઇ ઉપરોકત સ્થળે લોકોના બેસવાની, પા‹કગની સહિતની તમામ વ્યવસ્થા બહુ ચોકસાઇપૂર્વક અને સુવિધાયુકત કરવામાં આવી છે કે જેથી બહારગામ કે દૂરના અંતરેથી આવનાર ભાજપના કાર્યકરો, પેજ પ્રમુખો કે આગેવાનોને હાલાકીનો ભોગ ના બનવું પડે. પા‹કગ માટે ખાસ વિશાળ જગ્યાની ફાળવણી કરી ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહી, પા‹કગથી લોકોને બહુ ચાલવુ ના પડે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વિધાનસભા ચૂંટણી દરમ્યાન પક્ષના પાયાના કાર્યકરો, પેજ પ્રમુખો, આગેવાનોને વડાપ્રધાન મોદી ચૂંટણીલક્ષી મહત્વનું માર્ગદર્શન અને જાણકારી પૂરી પાડશે. પેજ પ્રમુખોને મતદારને તેમના રહેઠાણ-ઘેરથી બુથ સુધી મતદાન કરવા માટે ખેંચી લાવવાની મહત્વની જવાબદારી સોંપાયેલી છે ત્યારે વડાપ્રધાનનું માર્ગદર્શન પક્ષના એકેએક કાર્યકર માટે ઘણુ ઉપયોગી અને ફળદાયી સાબિત થશે. 

નરેન્દ્ર મોદીના મહાસંમેલનને લઇને વોર્ડ દીઠ મિટિંગો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા. ૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત ગૌરવ મહાસંમેલનને લઇ છેલ્લા એક સપ્તાહમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વોર્ડ દીઠ પેજ પ્રમુખો, કાર્યકરો, આગેવોની બેઠકોનો દોર ચાલ્યો હતો. જેમાં તેઓને ઉપરોકત કાર્યક્રમની મહત્વતા અને તેમની હાજરીની અનિવાર્યતતા સમજાવવામાં આવી હતી તો, સાથે સાથે આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેમની ભૂમિકા કેટલી નિર્ણાયક છે તે પણ સમજાવાયું હતું. નવા વાડજ વોર્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવા વાડજ વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણી અને મહામંત્રી મુકેશભાઇ પટેલ ઉપરાંત મહામંત્રી પુરોહિત ખેતારામ, કોર્પોરેટર જીગ્નેશ પટેલ, આર.ડી. દેસાઇ સહિતના અગ્રણી હાજર રહ્યા હતા.

Previous articleકોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનો વિડિયો વાયરલ, રૂપાણીને પકડી-પકડીને મારશું!
Next articleચૂંટણી જંગ હવે ‘મોદી V/s રાહુલ ગાંધી’ બની ચૂકયો છે