મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

1601

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ૭રમાં સ્વાતંત્ર્ય પર્વની પરંપરાગત ઉલ્લાસ અને ગરિમા સાથે ઉજવણી થઈ. કુલપતિ ડો.શૈલેષભાઈ ઝાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. યુનિવર્સિટીના શૈક્ષણિક-વહિવટી કર્મચારીગણ તથા વિદ્યાર્થી આલમે શ્રધ્ધા અને આસ્થા સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી. આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર સૌને આવકાર આપવામાં આવ્યો હતો.

ડો.શૈલેષભાઈ ઝાલાએ પોતાનું વક્તવ્ય આપતા સર્વપ્રથમ જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં વંદન. ૭રમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત સહુને શુભકામના પાઠવી હતી અને ભારત દેશના લોકોના આવનારા દિવસો ખૂબ સારા જાય તે માટે પ્રભુને હું પ્રાર્થના કરૂ છું. ભારત દેશનો ઈતિહાસ વાંચીએ છીએ ત્યારે આપણને અવશ્ય જાણવા મળે છે કે, વિવિધ પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતો દેશ એટલે ભારત દેશ. આ દેશમાં દરેક વિસ્તાર, દરેક પ્રાંત, દરેક વિસ્તારની ભાષા જુદી જુદી છે. ૩૩ કરોડ દેવ-દેવતાઓનું પૂજન કરતો આ દેશ છે. વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓથી આપણને જોમ અને ઉત્સાહ આવે છે. બંકીમચંદ્રજીએ રચેલ સુઝલામ સુફલામ કૃતિમાં ભારત માતા પ્રત્યેની દેશભક્તિ પ્રજ્વલિત થાય છે. ૧પમી ઓગષ્ટ અને ર૬મી જાન્યુઆરી આપણે રાષ્ટ્રીય દિવસો તરીકે ઉજવીએ છીએ. દેશભક્તિ માટે આપણે ૩૬પ દિવસોને રાષ્ટ્રીય દિવસો તરીકે ગણી રાષ્ટ્રનું કાર્ય કરીએ. અખંડ ભારત દેશ કેટલો બુલંદ હતો, દેશ ઉપર અનેક આક્રમણો થયા. ઈસ્લામી લોકો આ દેશમાં આવી ગયા ર૦૦ વર્ષ સુધી અંગ્રજો આવી ગયા. ઈસ્ટ ઈન્ડિયા વેપાર નિમિત્તે ભારતમાં આવી. ૧૮૪૭માં ક્રાંતિકારી મંગલ પાંડેએ ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવા બ્યુગલ ફુક્યું હતું. ગુજરાતના પણ અસંખ્ય લોકોએ આઝાદી માટે બલિદાનો આપ્યા હતા. ઈતિહાસમાં ભણાવવામાં આવ્યા નથી તેવા અનેક લોકોએ સંઘર્ષ કર્યો છે. અંગ્રેજોની ઈચ્છા પ્રમાણે ધર્મના નામે અખંડ ભારતને ખંડિત કરવામાં આવ્યું. ગાંધીજીએ કહ્યું હતું કે, ભારત દેશને ખંડિત નહીં થવા દઉં. પણ અંતે પાકિસ્તાનને અલગ દેશનો દરજ્જો આપવાની માંગણી સ્વીકારી લેવામાં આવી. આ રીતે સંઘર્ષ કરીને સ્વતંત્રતા મળેલી છે તેને સાચા અર્થમાં સાચવવાની જવાબદારી સ્વીકારવી જોઈએ. ભગતસિંહ અને ક્રાંતિવિરોને ફાંસીના માંચડે લટકાવતી વખતે તેમની છેલ્લી ઈચ્છા પુછવામાં આવી ત્યારે કહ્યું કે, હવે પછીનો જન્મ ભારતમાં જ થાય તે જ મારી છેલ્લી ઈચ્છા છે. એમ.કે. ભાવનગર યુનિ. સંદર્ભે જણાવ્યું હતું કે, ગત ત્રણ વર્ષમાં આ યુનિવર્સિટીને એક કદમ આગળ લઈ જવા માટે આપણા સહુના સહીયારા પુરૂષાર્થથી સારા કાર્યો કરવામાં આવ્યા. જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, કોન્વોકેશન, બિલ્ડીંગો તથા મેદાનોના વિકાસ-મરામત, ટ્રીપલ એ તથા નેક વીઝીટ જેવા અનેક કાર્યો કરવામાં આવ્યા. ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સની વિદ્યાર્થીની રૂત્વી વાઘાણીએ દેશભક્તિના ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું. એમ.બી.એ. ભવનની વિદ્યાર્થીની સંગીતા ચૌહાણએ યે મેરે વતન કે લોગો ગીત પ્રસ્તુત કર્યુ હતું. એનએસએસના સંયોજક ડો.ભારતસિંહ ગોહિલે યે મેરે પ્યારે વતન દેશભક્તિ ગીત રજૂ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાઈફ સાયન્સ ભવનના ઈન્ચાર્જ અધ્યક્ષ અને એનએસએસના સંયોજક ડો.ભારતસિંહ ગોહિલે કર્યુ હતું.

Previous articleબોરડાના પ્રેસ પ્રતિનિધિના પુત્રને શાળામાં બાળપત્રકારનો એવોર્ડ અર્પણ
Next articleપારસી પરિવારો દ્વારા પતેતી પર્વની ઉજવણી