પાટીદાર અનામતની માગણી કરનાર નેતા હાર્દિક પટેલે વિજય રૂપાણીને પત્ર લખી કહ્યું મને લાગે છે કે ગુજરાત સરકાર હતાશ છે, 71 વર્ષ પહેલા અંગ્રેજો સામે લડનાર ભારતીયો પોતાનો વિરોધ વ્યકત કરવા માટે ધરણા-પ્રદર્શન અને ઉપવાસ કરતા હતા અને તે જ પરંપરા પ્રમાણે પોતાની વાત કહેવા માટે અને સરકારનું ધ્યાન દોરવા માટે દેશનું બંધારણ તમામને અહિંસક રીતે વાત રજુ કરવાનો અધિકાર આપે છે.
ગુજરાતના ખેડુતો અને પાટીદારોને થઈ રહેલા અન્યાયને લઈ અમે તા 25 ઓગષ્ટથી ઉપવાસ કરવા માગીએ છીએ, તે અંગે અનેક વખત લેખિત રજૂઆત અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હોવા છતાં હજી સુધી તે અંગે કોઈ જવાબ મળ્યો નથી. અમે પ્લોટની ફાળવણી અને ઉપવાસની મંજુરીની માગણી કરી પણ તેનો કોઈ પ્રત્યુત્તર મળતો નથી. સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદામાં પણ પ્રજાને આંદોલન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કેન્દ્રઅે રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં તા 12 એપ્રિલ 2018 નરેન્દ્ર મોદી અને અમિત શાહે ઉપવાસ કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા.
અમારા ઉપવાસ આંદોલનને પ્લોટ ફાળવવો નહીં અને મંજુરી આપવી નહીં, તે રાજ્યની હતાશા સુચવે છે. અમને ઉપવાસ માટે હકારાત્મક સહયોગ આપવો તંત્રની ફરજ છે. બંધારણ અને સુપ્રીમ કોર્ટ જ્યારે મંજુરી આપતી હોય ત્યારે ત્યારે રાજય તેને રોકી શકે નહીં, અમારી વિનંતી છે કે લોકશાહીને મજબુત બનાવવા માટે આપ અમને મંજરી મળે તે દિશામાં આદેશ આપશો, નહીંતર અમે બંધારણી રીતે અમારી લડાઈ લડીશું અને લડતા રહીશું.