મનપામાં સામેલ શહેરી ગામો સુવિધાઓથી વંચિત

1009

ગાંધીનગર મહાનગર પાલિકામાં સમાવવામા આવેલા ધોળાકૂવા, ઇન્દ્રોડા, પાલજ, બોરીજ સહિતનાં શહેરી ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો હોવા છતાં મહાપાલિકા કાર્યરત થયાના ૭ વર્ષ બાદ પણ શહેરના જેવી પાયાની સુવિધાઓ મળી નથી. માળખાકીય સગવડોથી વંચિત રહેલાં આ ગામોના વિસ્તારને સુવિધાઓ આપવાની રજૂઆતો સાથે સ્થાનિક કોંગી નગરસેવકો પાસે ગ્રામજનો અનેક વખત ફરિયાદ કરી ચૂક્યા છે.

ભૂતકાળમાં નગરસેવકોએ કલેક્ટર અને સરકાર કક્ષાએ આવેદન આપ્યા હોવા છતાં તેના કોઇ પરિણામ મળ્યાં નથી. અહીં પાણી અને ગટરની વ્યવસ્થા માટે શરૂ કરાયેલા કામો હજુ પુરા થયા નથી.

શહેરી ગામોમાં વર્ષોથી એકસરખી અસુવિધા અને અગવડો જોવા મળી રહી છે. ચોમાસાના દિવસો દરમિયાન તો કાચા રસ્તા કાદવ-કીચડથી ખદબદતા હોવાથી અહીં વ્યાપક પ્રમાણમાં ગંદકી ફેલાય છે. કચરો ઠાલવવા માટે કન્ટેનર પણ જરૂરી સંખ્યામાં પૂરાં પાડવામાં આવતાં નથી. પાણીની અને ખાળકૂવાની લાઇન એકબીજામાં ભળી જતાં રોગચાળો ફેલાવાની દહેશત આ વખતે પણ વર્તાઈ રહી છે. ગટરની લાઇન આપવામાં પણ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે.

સ્થાનિક કોંગી નગરસેવક હસમુખ મકવાણા અને શૈલેન્દ્રસિંહ બિહોલા દ્વારા આ સમસ્યાઓ અને પ્રશ્નોને વાચા આપવા માટે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને સરકારમાં અનેક રજૂઆતો કરાઇ છે. પરંતુ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન રહ્યું નહીં હોવાથી જે વિસ્તારમાં કોંગ્રેસી નગરસેવકો છે ત્યાં પાટનગર યોજના વિભાગ દ્વારા જાણી જોઈને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યાનો આક્ષેપ કરાયો છે. અનેક વાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતાં ન હોવાથી પ્રજાને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. માળખાકીય સગવડોથી વંચિત રહેલાં આ ગામોના વિસ્તારને સુવિધાઓ આપવાની રજૂઆતો સાથે સ્થાનિક કોંગી નગરસેવકો પાસે ગ્રામજનો અનેક વખત ફરિયાદ કરી ચૂક્યા છે.છતા આ અંગે કોઈ ન્યાય નહિ મળતા હવે લોકો તંત્ર સામે લડવા માગે છે.

ગાંધીનગરમાં થોડા સમય પહેલા ૧૯ હજાર એલઇડી લાઇટો મુખ્ય માર્ગો અને આંતરીક માર્ગો પર લગાવવામાં આવી હતી. જે લાઇટો લગાવ્યા બાદ મોટા ભાગના વિસ્તારોમાં લાઇટો ટપોટપ બંધ થઇ જતાં નાગરિકોમાં વિરોધ ઉભો થયો છે. ત્યારે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા અધિક્ષક ઇજનેર વિદ્યુત વિભાગને શહેર અને આંતરીક માર્ગોની સ્ટ્રીટ લાઇટ વારંવાર બંધ રહેતા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યનો વહિવટ જ્યાંથી થાય છે. તેવા ગાંધીનગરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જાહેર રસ્તાઓ અને રહેણાંક વિસ્તારના આંતરિક રસ્તાઓ પર રાત્રીના સમય અંધારૂ જોવા મળે છે. આ લાઇટોની નિયમિત મરામત કરવામાં આવતી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રાત્રીના સમયે અવર-જવર કરતાં સ્થાનિક વસાહતીઓને ચોરી, લૂંટ અને અસમાજિક તત્વોનો ભય જોવા મળી રહ્યો છે. હાલ આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે અને અંધારામાં વાહન ચાલાવતા વસાહતીઓ ખાડામાં પડી જાય છે.

Previous articleછત્રાલ-જીઆઇડીસીમાં શેડ સહિત ૫૨ દબાણ હટાવાયા
Next articleટોરેન્ટોમાં રાજેન્દ્ર પ્રસાદજીની શિવકથા