પાલિતાણા તાલુકાના પાંડેરીય ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીના કાંઠેથી સિંહનો મૃતદેહ મળતા વન વિભાગ દોડતું થયું છે.
થોડા સમય પુર્વે શેત્રુંજી નદીના પટમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યાની ઘટના તાજી જ છે ત્યા ફરિ એકવાર એક નરસિંહનો મૃતદેહ મળી આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાનું મોજુ ફરિ વળ્યું છે. સમગ્ર બનાવ અંગે વન વિભાગના સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર પાલિતાણા તાલુકાના પાંડરીયા ગામના કોઈ વ્યકિતએ પાલિતાણા પોલીસને મોબાઈલ દ્વારા જાણ કરી હતી કે ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીના તટ પર સિંહનો મૃતદેહ પડ્યો છે જે માહિતી પોલીસે વન વિભાગને આપતા પોલીસ તથા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પાંડેરિયા ગામે દોડી ગયા હતા અને મૃત સિંહનો દેહ કબ્જે લઈ સ્થળ પર પ્રાથમિક તપાસ પુર્ણ કરી પી.એમ. અર્થે રાણીગાળા એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવાયો હતો. આ સિંહનું મોત સિંહણ સાથે મેટીંગ દરમ્યાન અન્ય સિંહ સાથે ફાઈટમાં પાણીમાં તણાઈ જવાથી કે અન્ય કયા કારણોસર મોત થયું તે પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે હાલ તુરંત વન વિભાગ દ્વારા સમગ્ર મુદ્દે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.