મંજૂરી નહીં મળતાં હાર્દિકના એક દિવસના પ્રતિક ઉપવાસ

1902

હાર્દિક પટેલે નિકોલમાં આગામી તા.૨૫ ઓગસ્ટના આમરણાંત ઉપવાસ માટે સરકારી તંત્ર દ્વારા જગ્યાની મંજૂરી નહી અપાતા પાર્ક કરેલી ગાડીમાં બેસીને એક દિવસના ઉપવાસ કરવાની નવી જાહેરાત કરી છે, જેને પગલે શહેર પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવાયું છે. હાર્દિક પટેલ તરફથી આવતીકાલના નિકોલ ખાતે ગાડીમાં જ બેસીને એક દિવસના પ્રતિક ઉપવાસની પોલીસ પાસેથી પણ મંજૂરી મંગાઇ નહી હોઇ તેને આમ કરવાથી રોકવાની ઉચ્ચ અધિકારીઓને તંત્ર દ્વારા સૂચના અપાઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.  પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને તેના ૫૦૧ જેટલા સમર્થકો-કાર્યકરો દ્વારા આવતીકાલે નિકોલ ખાતે જ ગાડીમાં બેસીને જ એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરવામાં આવતાં હાર્દિકના તા.૨૫મી ઓગસ્ટના ઉપવાસ આંદોલન પહેલાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે. તંત્રને એલર્ટ કરી દેવાયું છે, ખાસ કરીને પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ જારી કરી દેવાઇ છે. આ મામલે પોલીસ દ્વારા અત્યારથી જ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આવતીકાલે તા.૧૯ ઓગસ્ટના રોજ આંદોલન સ્થળે જતાં હાર્દિક પટેલ સહિત તમામ કાર્યકરોને અટકાવવામાં આવશે અને કોઈ પણ ભોગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આદેશ આપવામાં આવ્યો છે. દરમ્યાન હાર્દિક પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, પાર્કિંગ પ્લોટમાં ફેરવાયેલા નિકોલના ગ્રાઉન્ડમાં જ રવિવારે પાર્ક કરેલી ગાડીમાં બેસીને હું એક દિવસના પ્રતિક ઉપવાસ કરીશ. મારી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના ૫૦૧ કાર્યકરો કાળી પટ્ટી બાંધીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.

Previous articleબિટકોઇન કેસના મુખ્ય સુત્રધાર દિવ્યેશ દરજીને CID ક્રાઈમ બ્રાંચે દિલ્હી એરપોર્ટથી ઝડપી લીધો
Next articleવરસાદી સ્થિતિને લઈને CM રૂપાણીએ સમીક્ષા બેઠક યોજી