- ગાંધીનગરમાં દબાણ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. પરંતુ ગાંધીનગરના રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર પાકા દબાણો ઉભા થયા છે જેને જયાં ફાવે ત્યાં ઘર આગળ ઓટલાથી લઈને શેડના પાકા દબાણો ઉભા કરી દીધા છે. શહેરના સેક્ટર ૨૪ હરસિદ્ધનગર સોસાયટીમાં દબાણોનો રાફડો ફાટી નિકળ્યો છે. રોડ પાસેથી પસાર થતા વાહનનો પસાર થાય તેટલી જગ્યા પણ રાખવામાં આવી નથી. દબાણો કરીને ઓટલા રોડ સુધી પહોંચાડી લેવાયા છે. ત્યારે હરસિદ્ધનગર સોસાયટીના વસાહતિઓએ દબાણો દુર કરવાની માંગ કરી છે. દબાણના કારણે પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.
એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી. તેવી મુશ્કેલ પરિસ્થિતિ જોવા મળી રહી છે. શહેરના સેક્ટર ૨૪મા પહેલેથી જ દબાણો પુષ્કળ પ્રમાણમાં કરાયા છે. શહેરમાં દબાણ હટાવવાની કામગીરી પણ સેક્ટર ૨૪માંથી વર્ષો પહેલા કરાઇ હતી. તેમ છતા હજુ પણ સેક્ટરમાં ઠેક ઠેકાણે દબાણો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં સૌથી મોટી ઝુંપડપટ્ટી પણ અહિંયા જ છે. ત્યારે શહેના સેક્ટર ૨૪ સ્થિત હરસિદ્ધનગર સોસાયટીના રહીશોએ દબાણોને લઇને બંડ પોકાર્યો છે.
શહેરની વિવિધ સોસાયટી પાસેના મેઇન રોડ ઉપર આવેલી દુકાનોના ઓટલાના કારણે અહીંયાથી એમ્બ્યુલન્સ પસાર કરવી પણ લોઢાના ચણા ચાવવા જેવી બાબત થઇ ગઇ છે. ત્યારે હાલમા શહેરમા દબાણો દુર કરવામા આવી રહ્યા છે. ત્યારે આ ઓટલા સહિતના પાકા દબાણો દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જ્યારે ભંગારની દુકાનો આગળ ચોવિસ કલાક પાર્ક કરવામાં આવતી દુકાનો મોટી સંખ્યામાં ટ્રાફિક કરી રહી છે.
શહેરમાં લારી ગલ્લાના દબાણો દુર કરાઇ રહ્યા છે. રોડ ઉપર અને સરકારી જમીનો ઉપર જાગીરદારની જેમ કબ્જો જમાવી બેઠેલા લારી ગલ્લાના વેપારીઓને ખદેડવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે ઘ ૫ કોર્નર પાસે સેક્ટર ૧૭ના ખૂણામાં આવેલી જંગલ વિભાગની જમીનમાં લારી ગલ્લા મૂકીને વેપાર કરનાર સામે દબાણ વિભાગ દ્વારા લાલ આંખ કરાઇ હતી. જેમાં તમામ લારી અને ટેબલોને જપ્ત કરવામા આવ્યા હતા.