જિલ્લામાં છ લાખ વૃક્ષોના ટાર્ગેટ સામે ૬૦ હજાર વવાયા

1250

ગાંધીનગર જિલ્લામાં ચોમાસાની સિઝનમાં વન વિભાગ દ્વારા વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરીને વિકાસ કામોને લઇને ગાયબ થઇ રહેલી હરીયાળીની સામે ગ્રીન કવર જાળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે બે વર્ષથી જિલ્લામાં ખેડુતોને પણ પર્યાવરણ હીતની આ ઝુંબેશમાં સહભાગી બનાવવામાં આવી રહ્યા છે. જેમાં વન વિભાગ તથા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં ૬ લાખ વૃક્ષો ખેડુતો માફરતે ઉછેરવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કૃષિ વિભાગ દ્વારા ખેડુતોનો સંપર્ક કરીને વૃક્ષારોપણ માટે પ્રેરવામાં આવી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી ડી પી જાદવનાં જણાવ્યાનુંસાર જિલ્લાનાં ખેડુતો વૃક્ષારોપણનાં આ અભિયાનમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ગત વર્ષે ૪ લાખથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. જયારે આ વર્ષે ખેડુતો ૬ લાખ વૃક્ષો રોપીને તેનો ઉછેર કરે તેવા લક્ષ્યાંક સાથે ખેતીવાડી વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જિલ્લામાં વરસાદની અનિયમીતતાનાં કારણે કામગીરી ધીમી રહી હતી. તે હાલનાં વરસાદ બાદ તેજ બની છે અને ખેડુતો પણ રસ દાખવી રહ્યા છે.

હાલની સિઝનમાં પણ ૬૦ હજારથી વધુ રોપા ખેડુતો દ્વારા રોપવામાં આવ્યા છે. ગ્રામ સેવકો દ્વારા દરેક ગામમાં ખેડુતોને મળીને આ બાબતે સમજાવીને ખેડુતોને ભેગા કરીને તૈયાર કરવામાં આવી રહ્યા છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને સાથે રાખીને વન વિભાગની નજીકની નર્સરીમાંથી હાજર હોય તે રોપા પસંદ કરવામાં કરવામાં આવે છે. જે ખેડુતો વૃક્ષારોપણ કરવા માંગતા હોય તે પણ પોતાનાં ગામમાં ગ્રામ મિત્રનો સંપર્ક કરીને રોપાની વ્યવસ્થા કરી શકે છે.

હાલ વરસાદ પડ્‌યા બાદ રોપાની રોપણી માટે યોગ્ય માહોલ તૈયાર થયો છે. ખેડુતો આ કામગીરીમાં જોડાય તે એટલા માટે પણ મહત્વનું છે કે ક્લાઇમેટ ચેન્જનાં કારણે ઋતુ ચક્રમાં ફેરફાર થતા વરસાદ વધુ કાં તો ઓછો પડી રહ્યો છે. જેના કારણે ખેડુતોને સિધી અસર થાય છે. કારણ કે ખેડુતોનો સમગ્ર આધાર જ ખેતી પર છે. ત્યારે આ અભિયાન ઋતુચક્રને પણ યોગ્ય કરવામાં મદદરૂપ બનશે.

Previous articleદહેગામ તાલુકા સેવા સદન બહાર આડેધડ પાર્કીગની સમસ્યા
Next articleરખડતાં ઢોરોને પકડવા મનપા દ્વારા બંદોબસ્ત માટે એસઆરપીની એક ટુકડીની માગણી કરાશે