પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો લખનઉથી ચૂંટણી જીતવાનો સંબંધ તો હતો જ પરંતુ અહીંના એક મુસ્લિમ પરિવારની સાથે તેમનો વિશ્વાસ અતૂટ હતો. ઇદ પર વાજપેયીને કિમામી સેવૈયા ખવડાવનાર આ પરિવાર તેમની યાદમાં આ વખતે ઇદ મનાવશે નહીં.
ઉત્તરપ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પહેલાં મુસ્લિમ મંત્રી અને વકીલ એઝાઝ રિઝવી અને અટલ બિહારી વાજપેયી એકબીજાને દાયકાઓથી જાણતા હતા. વાજપેયીએ જ્યારે-જ્યારે લખનઉ લોકસભા સીટ પરથી ચૂંટણીનું ફોર્મ ભર્યું. તેમના તમામ કાગળિયા તૈયાર કરવાનું કામ એઝાઝ રિઝવની જવાબદારી રહેતી હતી.
૧૯૯૮ની સાલમાં એઝાઝ રિઝવીના નિધન બાદ પણ આ પરિવારની સાથે વાજપેયીનો સંબંધ અકબંધ રહ્યો અને તેમણે રિઝવીના દીકરી સીમા રિઝવીને માત્ર રાજકારણમાં આવવા માટે પ્રોત્સાહિત જ કર્યા નહીં પરંતુ મંત્રીમંડળમાં તેમના પિતાનો વારસો પણ સોંપ્યો. રિઝવીના પત્ની અને ઉત્તર પ્રદેશ ઉર્દૂ અકાદમીના અધ્યક્ષ આસિફા જમાનીની પાસે વાજપેયીની સાથે પોતાના પરિવારના સંબંધોની યાદોનો ભંડાર છે.