હાર્દિક પટેલની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવાના પગલે પાસ કન્વીનરોમાં રોષ ભભુક્યો છે. ત્યારે વિપક્ષ પણ આ ઘટનાને લઇને ભાજપ ઉપર પ્રહારો કર્યા છે. સાથે સાથે કોંગ્રેસ આગેવાનોની પણ હાર્દિકની અટકાયત અંગે પ્રતિક્રિયાઓ આવી રહી છે. ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, કોઇપણ સમાજને તેના હક માટે લડવાનો હક છે જોકે, તેમને દબાવવામાં આવે છે. સાથે સાથે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપ ઉપર પ્રકાર પરોક્ષ કટાક્ષ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં લોકશાહી જોખમમાં છે અને યુવાનોએ અહિંસાના માર્ગે જઇને ગુજરાતને આઝાદ કરાવવું જોઇએ.
હાર્દિક પટેલની અટકાયતને વખોડી કાઢતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. કોઇપણ સમાજને તેના હક માટે લડવાનો હક છે જોકે, અહીં દબાવી દેવામાં આવે છે.
હાર્દિક પટેલ તેના સમાજ માટે લડી રહ્યો છે અને તેની અટકાયતને વખોડી કાઢીએ છીએ. કોઈ પણ સમાજની વાત સાંભળવા ભાજપ તૈયાર નથી અને તેને દબાવવામાં આવે છે. હાર્દિક તેના સમાજ ની વાત કરે છે તેની અટકાયત થાય તે યોગ્ય નથી.આ ઉપરાંત વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા અને આઝાદ દેશમાં પોતાની પીડા ઠાલવવા આંદોલનનો સહારો લે છે તો અટકાયત કરાય છે. ગુજરાતમાં લોકશાહી જોખમમાં છે. કોઇપણ સમાજ તેના હક માટે આંદોલન કરી શકતો નથી. યુવાનોએ અહિંસાના માર્ગે ગુજરાત ને આઝાદ કરાવવા યુવાનોને આહવાન કરું છું.