દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એ. બી. ડી’ વિલિયર્સનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું માનસિક દબાણ અમુક સમયે અસહ્ય બની જવાના કારણે તેમાંથી વિદાય લેવામાં તે હવે રાહત અનુભવી રહ્યો છે. ગયા મેમાં અચાનક પોતાની નિવૃત્તિની જાહેરાત કરી બધાને સ્તબ્ધ કરી દીધેલ ૩૪ વર્ષના ડી’ વિલિયર્સે કહ્યું હતું કે તેણે રમતની ખોટ લાગતી નથી અને પોતે નિવૃત્ત જીવન ગાળવામાં રાજી છે.
સામાન્ય રીતે કેટલીક વેળા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માનસિક દબાણ ઘણું વધી જતું હોય છે અને તે અસહ્ય બનતું હોય છે, એમ તેણે કહ્યું હતું. ડી’ વિલિયર્સ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ટી-૨૦ સ્પર્ધામાં તે પોતાની રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આર. સી. બી.)ની ટીમ વતી રમવાનું ચાલુ રાખશે.
ડી’ વિલિયર્સે એક અખબારને આપેલી મુલાકાતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ બદલ કોઈ ખેદ વ્યક્ત કર્યો ન હતો. ૩૪ વર્ષના ફટકાબાજ બેટ્સમેન ડી’ વિલિયર્સે ૧૧૪ ટેસ્ટ મેચમાં રમી ૨૨ સદી સહિત કુલ ૮,૭૬૫ રન કર્યા હતા અને તે ૫૦.૬૬ રનની બૅટિંગ સરેરાશ ધરાવે છે.
૨૦૦૪માં ઈંગ્લેન્ડ સામે પોતાનો ટેસ્ટ પ્રવેશ કરવાથી ડી’ વિલિયર્સ તેના રાષ્ટ્રની ટીમનો ઘણી વેળા વિકેટકીપર, શ્રેષ્ઠ ફિલ્ડર, શ્રેષ્ઠ બેટ્સમેન અને કેપ્ટન રહ્યો છે.