ઉ.પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે જો જરૃરીયાત ઉભી થાય અને અન્ય કોઈ માર્ગ નહીં મળે તો કેન્દ્ર સરકાર અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર બંધાવવા માટે સરકાર વિધાયકી (લેજીસ્લેટીવ) માર્ગ અપનાવશે. પણ તે માટે સરકાર પાસે બન્ને ગૃહમાં પુરતી બહુમતી હોવી જરૃરી છે. તે હશે ત્યારે આ બાબત અમલમાં મુકાઈને રહેશે.
મૌર્યએ કહ્યું હતું કે અમે કોઈપણ મુદ્દો સંસદમાં લાવીએ તો લોકસભામાં અમારી પાસે પુરતી સંખ્યા છે પણ રાજ્યસભામાં અમારું સંખ્યાબળ ઓછું છે. તેથી ત્યાં તે મુદ્દો ચોક્કસ ઉડી જાય. પણ જ્યારે અમારી પાસે બંને ગૃહમાં પુરતી બહુમતી હશે ત્યારે ચોક્કસ તેનો ઉપયોગ કરીને રામજન્મભૂમિ મંદિરના બાંધકામનો માર્ગ સરળ બનાવાશે.
હાલ આ બાબત સુપ્રીમ કોર્ટ સમક્ષ છે. જ્યારે અયોધ્યામાં ભવ્ય રામજન્મભૂમિ મંદિર તૈયાર થશે, ત્યારે વિહિપના વડા અશોક સિંહલ, અયોધ્યામાં રામજન્મભૂમિ ન્યાસના વડા મહંતશ્રી રામચંદ્રદાસ પરમહંસ તેમજ તે મંદિર માટે બલિદાન આપનારા પ્રત્યેક કારસેવકના આત્માને સાચી શાંતિ મળશે. તેમણે એસ.સી./એસ.ટી. બિલ અંગે પણ કહ્યું હતું કે સરકાર એટ્રોસીટી એક્ટને નબળો પાડવા નથી માંગતી, પણ તેના કારણે કોઈને હેરાનગતિ થાય તેવું પણ ઈચ્છતી નથી.