કેન્દ્ર તથા રાજ્ય સરકાર દેશવ્યાપી સ્વચ્છતા મહા અભિયાન મોટા ઉપાડે ગાઈ વગાડી રહ્યાં છે પરંતુ ખાટલે મોટી ખોટ કહેવત મુજબ સરકારી તંત્રના આંગણે અધિકારી વર્ગ દ્વારા જાહેર સાફ-સફાઈ પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યાં છે. શહેરના એસ.ટી. ડેપોમાં પ્રતિવર્ષ ચોમાસા દરમ્યાન વર્કશોપના પટાંગણમાં વરસાદી પાણીનો ભરાવો થવાના કારણે ગંદકી-ગારો-કીચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે જેને લઈને અહીં ફરજ બજાવતા કર્મચારીઓનું જાહેર સ્વાસ્થ્ય જોખમાય છે. ચોમાસાના ચાર માસ માખી-મચ્છરોના અસહ્ય ઉપદ્રવના કારણે કર્મચારીઓ રોગનો ભોગ બને છે છતાં જવાબદારોના પેટનું પાણી પણ નથી હલતું.