ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ગેરકાયદે ખડકાયેલા અનઅધિકૃત દબાણો હટાવવાની કામગીરી આગળ ધપાવી છે. આજે સવારથી સાંજ સુધીમાં ૩૦થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા.
ભાવનગર મહાપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દુર કરવાનું મહાઅભિયાન હાથ ધર્યુ છે. જે અન્વયે તંત્રની ટીમ દરરોજ સવારથી સાંજ સુધીમાં અલગ-અલગ વિસ્તારોમાં પુરા કાફલા સાથે પહોંચી કાચા-પાકા બાંધકામો તથા અન્ય દબાણો દુર કરવા સાથોસાથ સરસામાન પણ કબ્જે કરી રહ્યું છે. જેમાં આજે સહકારી હાટ વિસ્તારમાં આવેલ શોભરાજ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનો પર તવાઈ બોલાવી હતી. જેમાં ઓટલાઓ, ગ્રીલ સહિતના બાંધકામ તોડી પાડ્યા હતા તથા બાંકડાઓ ત્રણેક જેટલી કેબીનો તથા અન્ય સરસામાન કબ્જે કર્યો હતો. ડીસ્ટ્રીક્ટ બેંક દ્વારા પાર્કિંગમાં ગ્રીલ દ્વારા દબાણ કરવામાં આવેલ. જે તોડી પાડવામાં આવી હતી.