સમગ્ર દેશમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જે અંતર્ગત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતના ડાંગના વઘઈમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં બે ઈંચ વરસાદ સાથે સુરત શહેરમાં હળવા વરસાદી ઝાપટાં સાથે મેઘરાજાની ફરી સવારી આવી પહોંચી છે.
દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ છવાયો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના કપરાડા તાલુકામાં બે ઈંચથી અઢી ઈંચ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉભા પાક પર પડી રહેલો વરસાદ કાચા સોના સમાન હોવાથી ધરતીપુત્રોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. ભેસ્તાન અને પાંડેસરા વિસ્તારમાં પવનના ભારે સુસવાટા સાથે જોરદાર વરસાદ તુટી પડ્યો હતો.કોરા આકાશને નિરખીને નિકળેલા લોકો અચાનક મેહુલિયાના આગમનથી ભિંજાઇ ગયા હતા. સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ભેસ્તાન અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં લગભગ ૧૨ વાગ્યાની આજુબાજુ પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. લગભગ અડધો કલાક સુધી વરસાદની બેટીંગને કારણે કામના સમયે નિકળેલા લોકોએ થોડો સમય અટકી જવું પડ્યું હતું.ત્યારબાદ હળવા ઝાંપટા શરૂ થયાં હતાં.