પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવંગત રાજીવ ગાંધીની આજે ૭પમી જન્મ જયંતી છે. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ સહિત તમામ ટોચના નેતાઓએ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટિ્વટ કરીને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે આપણા પૂર્વ વડા પ્રધાન શ્રી રાજીવ ગાંધીજીને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ. આજે આપણે રાષ્ટ્ર પ્રત્યેના તેમના પ્રયાસોને યાદ કરીએ છીએ.
સ્વર્ગસ્થ રાજીવ ગાંધી ગાંધીનો જન્મ ર૦ ઓગસ્ટ, ૧૯૪૪ના રોજ થયો હતો અને ર૧ મે,૧૯૯૧ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધી ૧૯૮૪થી ૧૯૮૯ સુધી દેશના વડા પ્રધાન રહ્યા હતા. તામિલનાડુના શ્રીપેરામ્બુદૂર ખાતે ર૧ મે ૧૯૯૧ના રોજ સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન એલટીટીઇની એક સ્યુસાઇડ બોમ્બરે રાજીવ ગાંધીની હત્યા કરી હતી.