પૂર્વ વડાપ્રાધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીના ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં સાર્વજનિક, સર્વદલીય પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોદી સરકારના તમામ કેબિનેટ મંત્રીઓ ઉપરાંત વિપક્ષીય દળોના નેતા અને વિભિન્ન ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ હાજર રહી. પ્રાર્થના સભામાં યોગગુરૂ બાબા રામદેવ અને અધ્યાત્મની દુનિયા સાથે જોડાયેલા લોકો પણ સામેલ થયા. આ કાર્યક્રમમાં મોદીએ કહ્યું- “આંતરરાષ્ટ્રીય મંચ પર હિંદુસ્તાન કાશ્મીરને લઇને જવાબ આપતું રહ્યું છે.
દર વખતે કાશ્મીર મુદ્દે ભારતને ઘેરવામાં આવે છે. પરંતુ અટલજી આતંકવાદના મુદ્દા પર આખા વિશ્વને ભારતની સાથે લાવવામાં સફળ રહ્યા.”
પ્રાર્થનાસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “૧૧ મેના રોજ પરમાણુ પરીક્ષણ અટલજીની દ્રઢતાને કારણે શક્ય બન્યું. ત્યારબાદ દુનિયાએ ભારત પર પ્રતિબંધ લગાવી દીધો. પરંતુ તે અટલજી હતા જેમણે ૧૧મેના રોજ પરીક્ષણ પછી ૧૩મેના રોજ એકવાર ફરી દુનિયાને પડકાર આપીને ભારતની તાકાતનો અહેસાસ કરાવ્યો.”
મોદીએ કહ્યું, “જીવન કેટલું લાંબું હોય તે આપણા હાથમાં નથી, પરંતુ જીવન કેવું હોય, તે આપણા હાથમાં છે અને અટલજીએ આ કરીને બતાવ્યું કે જીવન કેવું હોય, કેમ હોય, કોના માટે હોય અને કેવી રીતે હોય. અટલજી નામથી જ અટલ ન હતા, તેમના વ્યવહારમાં પણ અટલ ભાવ જોવા મળે છે.”
“જીવન સાચા અર્થમાં તેમના માટે જ હોય છે જે હકીકતમાં પળેપળને જીવવા માંગતું હોય છે. પળેપળ જીવીને જેણે જિંદગીને સજાવી અને સામાન્ય જનતા માટે તેને ખપાવી દીધી. કિશોરાવસ્થાથી લઇને જીવનના અંત સુધી શરીરે જ્યાં સુધી સાથ આપ્યો, તેઓ જીવ્યા અને દેશ માટે જીવ્યા. દેશવાસીઓ માટે, સિદ્ધાંતો માટે, સામાન્ય માણસના સપનાંઓ માટે જીવ્યા.”