વેરાવળ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ઓરી, રૂબેલા રસીકરણ અંગે બેઠક યોજાઈ

1255

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે જિલ્લા પંચાયત સભાખંડમા આજે જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્માના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખા વિભાગ દ્રારા મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્માએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં ઓરી અને રૂબેલા રસીકરણ અંતર્ગત ૯ માસ થી ૧૫ વર્ષના બાળકોને ઓરી અને રૂબેલાની રસી થી આરક્ષિત કરાયા છે. આ અભિયાન અંતર્ગત ઓરી અને રૂબેલાની રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય શાખા દ્રારા ખાસ તકેદારી રાખવામાં આવશે.

તેઓએ વધુમા ઉમેર્યું હતું કે, જિલ્લામાં ૯ માસ થી ૧૫ વર્ષના તમામ બાળકોને ઓરી અને રૂબેલાની રસીકરણથી આવરી લેવા લોકોને અનુરોધ કર્યો હતો. તા. ૩૧ ઓગસ્ટ સુધી ચાલનાર આ અભિયાનમાં વાલીઓએ તેમના બાળકોને ઓરી અને રૂબેલાની રસીકરણથી આવરી લેવા તેમજ આ રસીકરણથી બાળકોને કોઈપણ પ્રકારની સામાન્ય આડ અસર થતી નથી અને સોશયલ મીડીયામા પ્રસારીત થતી ઓરી અને રૂબેલાની ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અને આ અભિયાનમાં સહયોગ આપવા જણાવાયું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ. આચાર્યએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં ૧.૭૩ લાખ બાળકોને ઓરી અને રૂબેલાની રસીથી આરક્ષિત કરાવામાં આવ્યા છે. તેમજ બાકી રહી ગયેલા તમામ બાળકોને આ રસીથી આવરી લેવા માટે આરોગ્ય શાખાની ટીમ દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. વેરાવળની ૧૨ જેટલી મુસ્લિમ શાળાઓમાં ઓરી અને રૂબેલાની રસીકરણ થયું નથી. તેમજ મુસ્લિમ શાળાઓમાં ઓરી અને રૂબેલાની રસીકરણ કરવા માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ખાતરી આપી હતી અને આગામી દિવસોમાં બાકી રહી ગયેલી તમામ શાળાઓમાં આ અભિયાન અંતર્ગત બાળકોને ઓરી અને રૂબેલાની રસીથી આવરી લેવામા આવશે. તેમજ મુસ્લિમ સમાજના ડો.વોરા અને ડો.આંબદાણીએ ઓરી અને રૂબેલા રસીકરણ અંતર્ગત સમજણ આપી હતી. આ તકે મુસ્લિમ સમાજના પ્રમુખ અનવર ચૌહાણે જણાવેલ કે, તમામ સમાજના બાળકોએ રસીકરણ કરાવેલ છે ફક્ત મુસ્લિમ સમાજ સોશયલ મીડીયાના વાયરલ થયેલા ખોટા મેસેજના કારણે પોતાના બાળકોને રસીકરણ કરાવેલ નથી જે યોગ્ય નથી. જેથી દરેક મુસ્લિમ સમાજના ૯ માસ થી ૧૫ વર્ષના બાળકોને ઓરી અને રૂબેલાનું રસીકરણ થાય તે ખુબજ જરૂરી છે. દરેક મુસ્લિમ સમાજના બાળકોએ રસીકરણ કરાવી લેવું જોઈએ.

Previous articleઅેહમદ પટેલની કોંગ્રેસના ખજાનચી તરીકે નિમણૂક
Next articleબાળ પારાયણ તથા બાળ અન્નકુટ ઉત્સવ ઉજવાયો