૨૩મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે અને રાજભવનની મુલાકાત પણ લેવાના હોવાથી સ્થાનિક તંત્ર અનેકવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં વ્યસ્ત બની ગયું છે.
શુક્રવારે દિલ્હીથી આવેલી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સાથે તમામ પ્રકારે સલામતી સહિતના મુદ્દે વિવિધ વિગતો મેળવવાની સાથે શું વ્યવસ્થા ગોઠવવાની રહેશે તેનું માર્ગદર્શન આપ્યુ હતું. જેના પગલે કલેક્ટર એસ કે લાંગા દ્વારા તંત્રને દોડતુ કરી દેવાયુ હતું.
વડાપ્રધાનના રૂટમાં પોલીસ કાફલાને તૈનાત રાખવા અને આરોગ્ય સુવિધાઓ સજ્જ રાખવા સહિતની જીણામાં જીણી બાબતે આ બેઠકમાં ચર્ચા કરી લેવામાં આવી હતી.
૨૩મીએ વડાપ્રધાન સુરત એરપોર્ટ પરથી વલસાડ અને ત્યાંથી જુનાગઢ ગયા બાદ સાંજે ૫ વાગ્યાના અરસામાં હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર આવશે.
હેલિપેડથી સીધા જ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપવા જશે. ત્યાર બાદ રાજભવન ખાતે ટુકું રોકાણ કરીને રાત્રે જ અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન દિલ્હી જવા રવાના થવાના હોવાથી તેમના સ્વાગત સહિતની તૈયારીઓમાં કલેક્ટર તંત્ર વ્યસ્ત બન્યુ છે.