શિવજી અને રૂદ્રાવતાર હનુમાનજીનું પ્રભાવક સ્થાનક છે ભંડારિયાનું ગંગેશ્વર મહાદેવ મંદિર

1519

ભાવનગર નજીકના ભંડારિયાની પશ્ચિમ દિશાએ ગામથી લગભગ એકાદ કી.મી.ના અંતરે  ગંગેશ્વર મહાદેવનું પૌરાણિક સ્થાનક આવેલું છે. એક નાની ટેકરી ચડીને મંદિરે પહોંચાય છે ટેકરી પર એક છેડે નળીયા વાળા ઓરડા અને સામે હનુમાનજીનું સ્થાનક જ્યારે નિચે થોડા પગથીયા ઉતરીને શિવાલય તરફ જવાય છે પક્ષીઓના મીઠા કલરવનો ગુંજારવ, લીલા વૃક્ષોથી ઘેંરાયેલ શાંત – રમણીય એવી આ જગ્યાની ચેતના અને પ્રભાવ ભાવિકોને આકર્ષીત કરે છે. આ જગ્યામાં પગ મુકતા જ તેમની પૌરાણીકતાનો ખ્યાલ આવી જાય છે. લગભગ ૨૦૦ વર્ષ કરતા પણ વધુ  જૂની આ જગ્યા છે.  રાજવી કાળમાં અહીં શિવલીંગની સ્થાપના થઇ હોવાનું જાણવા મળે છે. લોકવાયકા મુજબ આ વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂત ગણેશભાઈ ઘોરીની વાડીમાં હળ ચલાવતી વખતે શિવલીંગ નીકળેલું જેની સ્થાપના કરાઈ અને ખેડૂતના નામથી જ મહાદેવનું નામ રખાયું ! આ ખેડૂતના વંશજો પાંચમી પેઢીએ આજે પણ નિત્ય દર્શન અને શકયત સેવા,પૂજા અને ચાકરી દ્વારા દાદા  પ્રત્યેનો પોતાનો ભાવ પ્રગટ કરે છે. સમગ્ર ગ્રામવાસીઓ માટે ગંગેશ્વર મહાદેવનું સ્થાનક આસ્થા અને શ્રધ્ધાનું પ્રતીક છે. અહીં  હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે. હનુમાનજી બળ બુધ્ધિ અને વિદ્યાના દાતા ગણાય છે અહીં ખરા અર્થમાં એ ઉક્તિ સાર્થક થતી જોવા મળે છે.! ઉચ્ચ અભ્યાસ કરતા ગામના ઘણા ખરા વિધાર્થીઓ અહીં વાંચન અને લેખન માટે આવે છે અને સફળતા મેળવી અનેકે ઇચ્છિત ફળ મેળવ્યું છે. જેના અનેક જીવંત દાખલા છે. સંપૂર્ણ કુદરતી માહોલમાં વસેલુ આ સ્થાનક મનને શાંતિ આપનારૂ છે.સમગ્ર વર્ષ દરમિયાન અહીં ધાર્મિક કાર્યો સતત થતા રહે છે જેમાં દર એકાદશીના કથાની પરંપરા છેલ્લા અઢાર વર્ષથી અતૂટ છે ! જ્યારે દર ચૌદશે રૂદરી કરવામાં આવે છે. શ્રાવણના પ્રત્યેક સોમવારે દાદાનો થાળ સાથે વિશિષ્ઠ પૂજા અર્ચના અને રૂદ્વિ , અભિષેક સહિતના કાર્યો ખૂબ જ ભાવભેર થઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષથી નિત્ય અખંડ રામાયણના પાઠ કરવામાં આવી રહ્યા છે. આ મંદિરનો જીણોધ્ધાર આજથી ૧૧૨ વર્ષ પૂર્વે સવંત ૧૯૬૨માં થયો હતો જેની તકતી જોવા મળે છે. બાદમાં પણ મરામત અને સજાવટ કાર્ય થયું છે. હાલમાં પૂ. ધરમદાસબાપુ મંદિરના મહંત તરીકે સેવારત છે. કાળ ક્રમે આ મંદિરનો ઘણો વિકાસ થઇ રહ્યો છે.

Previous articleવડાપ્રધાનની મુલાકાતના સંબંધમાં તંત્ર હરકતમાં : તબકકાવાર બેઠકો યોજાઈ
Next articleદામનગર ઉજવલા ગેસકીટ વિતરણ