શહેર નજીકના અધેવાડા ગામે આવેલ શેડમાં વિજકનેકશન નાખવા માટે ૩૦ હજારની લાંચ માંગતા વરતેજ સબ.ડીવીઝનના (કલાસ-૧ અધિકારી) ડે.ઈજનેરને જુનાગઢ એસીબી ટીમે ટોપ થ્રી સર્કલ પાસેથી લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ શહેર નજીકના અધેવાડા ગામે રહેતા ચંદુભા રઘુવીરસિંહ ગોહિલએ તેમના શેડમાં વિજકનેકશન નાખવા માટે વરતેજ સબ ડીવીઝનમાં અરજી કરી હતી. જે અંગે વરતેજ ડીવીઝનના ડેપ્યુટી ઈજનેર મુકેશભાઈ ખાટાભાઈ વાળાંકીએ ૧પ હજારની લાંચ માંગી હતી બાદ ફરિયાદી ચંદુભાના સંબંધીના શેડમાં વિજ કનેકશન નાખવા બીજા ૧પ હજારની લાંચની માંગણી કરી હતી. જે બાબતે ચંદુભા ગોહિલે જુનાગઢ એસીબી ઓફીસી જાણ કરતા એસીબીના પી.આઈ. એ.એન. રામાનુજ અને સ્ટાફે શહેરના ટોપ-થ્રી સર્કલ પાસે છટકુ ગોઠવી વોચમાં હતાં. તે વેળાએ ડેપ્યુટી ઈજનેર મુકેશભાઈ ફરિયાદી ચંદુભા પાસેથી લાંચના ૩૦ હજાર સ્વીકારતા રેકોડીંગ અને પંચની રૂબરૂમાં રંગેહાથ ઝડપી લીધા હતાં અને જરૂરી કેસ કાગળો કરવાની તજવીજ હાથ ધરી હતી. આરોપી મુકેશભાઈ વાળાંકી ૧૩-૬-ર૦૧રમાં વલ્લભીપુર ખાતે ૧૦ હજારની લાંચ લેતા અગાઉ ઝડપાઈ ગયા છે. બાદ આજરોજ જુનાગઢ એસીબી ટીમે ૩૦ હજારની લાંચ લેતા ઝડપી લેતા પીજીવીસીએલ કચેરીમાં ચકચાર ફેલાવી જવા પામી હતી.